એર-ઈન્ડિયાની બિલ્ડિંગને મહારાષ્ટ્ર સરકાર હસ્તગત કરશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તાર ખાતેની આઈકોનિક એર-ઈનિડયા બિલ્ડિંગને રૂ. ૧૬૦૧ કરોડમાં હસ્તગત કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આશરે રૂ. ૨૫૦ કરોડની અવાસ્તવિક આવક અને મિલકત પરના વ્યાજને માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઈમારત ૧૯૭૪માં રાજ્ય સરકારની માલિકીની જમીન પર બાંધવામાં આવી હતી. જેનો ઉપયોગ હવે તેની ઓફિસની જગ્યા માટે કરવામાં આવશે. દક્ષિણ મુંબઈમાં રાજ્ય સચિવાલયની ઈમારત, મંત્રાલયમાં ૨૦૧૨માં લાગેલી આગ પછી ચાર મુખ્ય વિભાગો – જાહેર આરોગ્ય, તબીબી શિક્ષણ, પાણીપુરવઠો અને સ્વચ્છતા તેમ જ ગ્રામીણ વિકાસ – જીટી હોસ્પિટલથી કાર્યરત છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વિભાગો અન્ય સાથે એર-ઈન્ડિયા બિલ્ડિંગમાં સ્થળાંતરિત થઇ શકે છે. ૨૩ માળની ઈમારત એર-ઈન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડની માલિકીની છે, જે એર-ઈન્ડિયાની માલિકીની તમામ મિલકતોનું સંચાલન કરવા માટે ૨૦૧૮માં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બનાવવામાં આવી હતી. બિલ્ડિંગના નવ માળ હાલમાં ખાલી છે. ત્રણ માળ હાઉસ જીએસટી ઓફિસના છે, જ્યારે ૮ માળ આવકવેરા વિભાગના છે. ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર હાલમાં એર-ઈન્ડિયા પાસે છે અને સરકારે એર-ઈન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ કંપનીને સંદેશવ્યવહાર કર્યો હતો કે તેણે આ ઈમારતને કોઇ પણ બોજ વિના સોંપવી જોઇએ.
આ બિલ્ડિંગનું નિર્માણ ન્યુ યોર્ક સ્થિત આર્કિટેક્ટરલ ફર્મ જોન્સન/બર્ગીના જોન બર્ગીએ કર્યું હતું. બર્ગી પોસ્ટ-મોર્ડન આર્કિટેક્ટરમાં તેમના યોગદાન માટે જાણીતા હતા. મુંબઈમાં ૧૯૯૩માં શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટમાં આ ઈમારત એક નિશાની હતી. બિલ્ડિંગના બેઝમેન્ટ ગેરેજમાં કાર બોમ્બવિસ્ફોટ થયો હતો, જેમાં ૨૦ જણ માર્યા ગયા હતા. એર-ઈન્ડિયાની એસેટ મોનિટાઈઝેશન યોજનાના ભાગરૂપે ૨૦૧૮માં આ ઈમારત વેચાણ માટે મૂકવામાં આવી હતી, જેનું ક્ષેત્રફળ ૪.૯૯ લાખ ચોરસફૂટ છે.