અભિનેતાની બેફામ કાર સ્પીડે દંપતીને કચડ્યું

બેંગલૂરુઃ કન્નડ ફિલ્મ એક્ટર નાગભૂષણની કારે એક આઘાતજનક અકસ્માત કર્યો હોવાના સમાચાર છે. ગઈકાલે રાત્રે નાગભૂષણની કારે ફૂટપાથ પર ચાલતા દંપતીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું છે, જ્યારે તેનો પતિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસે આ ભયાનક અકસ્માત માટે નાગભૂષણ વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે રાત્રે કપલ ફૂટપાથ પર ચાલી રહ્યું હતું ત્યારે નાગભૂષણની કારે તેમને ટક્કર મારી હતી. કપલને ટક્કર માર્યા બાદ અભિનેતાની કાર ફૂટપાથ પરના ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત બેંગલુરુના વસંત પુરી મેઈન રોડ પર થયો હતો. અભિનેતા નાગભૂષણ ઉત્તરહલ્લીથી કોનાનકુંટે તરફ જઈ રહ્યા હતા. તેમની ઝડપી કાર ફૂટપાથ પર ચાલતા દંપતીને ટક્કર મારી હતી અને કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ નાગભૂષણ પોતે જ કપલને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, 48 વર્ષની પ્રેમાનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું, જ્યારે પ્રેમાના પતિ ક્રિષ્ના (58 વર્ષ)ને બંને પગ, માથા અને પેટમાં ઈજાઓ થઈ હતી. ક્રિષ્નાની હાલત નાજુક હોવાનું કહેવાય છે અને તેની બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ગંભીર મામલે બેંગલુરુના કુમારસ્વામી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે આ કેસમાં નાગભૂષણ પર ઓવરસ્પીડિંગ અને બેદરકારીનો આરોપ લગાવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.
અભિનેતા નાગભૂષણ કન્નડ ફિલ્મોમાં ઘણી લોકપ્રિય સહાયક ભૂમિકામાં દેખાયા છે. તેણે ‘યુવરત્ન’, ‘લકી મેન’ અને ‘ડેરડેવિલ મુસ્તફા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. નાગભૂષણને લીડ રોલમાં ચમકાવતી કન્નડ ફિલ્મ ‘તગારુ પલ્યા’ નવેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.