પૅરોલ પર છૂટી ફરાર થયેલો હત્યા કેસનોઆરોપી ૧૩ વર્ષે તેલંગણામાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાશિક સેન્ટ્રલ જેલમાંથી પૅરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલા હત્યા કેસના આરોપીને ૧૩ વર્ષે તેલંગણા રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૫ના અધિકારીઓએ તેલંગણાના મહેબૂબ નગર ખાતે છટકું ગોઠવી આરોપી અશોક હનુમંતા કજેરી ઉર્ફે વી. શિવા નરસીમુલ્લુ (૩૯)ને પકડી પાડ્યો હતો. વધુ કાર્યવાહી માટે આરોપીને ધારાવી પોલીસને સોંપાયો હતો.
ધારાવી પોલીસે ૨૦૦૭માં હત્યાના કેસમાં કજેરીની ધરપકડ કરી હતી. ૨૦૦૮માં સેશન્સ કોર્ટે તેને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. તેને નાશિક સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો.
સજા ભોગવી રહેલા આરોપી કજેરીએ પૅરોલ માટે અરજી કરી હતી. ૨૦૧૧માં કજેરીને ૩૦ના પૅરોલ પર જેલમાંથી છોડવામાં આવ્યો હતો. રજાની મુદત પત્યા પછી પણ કજેરી જેલમાં પાછો ન ફરતાં આ પ્રકરણે જેલ અધિકારીએ ધારાવી પોલીસમાં ફરિયાદ કરી હતી. આ પ્રકરણે ધારાવી પોલીસે ગુનો નોંધતાં ક્રાઈમ બ્રાન્ચે સમાંતર તપાસ હાથ ધરી હતી. પોલીસે નાશિક, હિંગોલી, પરભણી, જાલના અને કેરળમાં આરોપીની શોધ ચલાવી હતી. આરોપી વારંવાર તેનું રહેઠાણ બદલતો હતો. આખરે કજેરી તેલંગણામાં નરસીમુલ્લુ નામે વેશપલટો કરીને રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે નરસીમુલ્લુ જ આરોપી કજેરી હોવાની ખાતરી કરી તેને તાબામાં લીધો હતો.