પાલિકાના છેલ્લાં ૨૫ વર્ષના હિસાબનું ઑડિટ થશે
મહારાષ્ટ્ર સરકારે પેનલની નિમણૂક કરી
નાગપુર: મહારાષ્ટ્ર રાજ્યના પ્રધાન ઉદય સામંતે મંગળવારે આપેલી માહિતી અનુસાર મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા છેલ્લાં ૨૫ વર્ષ દરમિયાન કરવામાં આવેલી નાણાકીય લેવડદેવડની તલસ્પર્શી ચકાસણી કરવા માટે એક સમિતિની નિમણૂક મહારાષ્ટ્ર સરકારે કરી છે. નાગપુરમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં સામંતે જણાવ્યું હતું કે સોમવારે વિધાનસભામાં થયેલી ચર્ચા દરમિયાન નાગરિકો માટેની સંસ્થાના કારભાર વિશે સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. બીએમસી દ્વારા કરવામાં આવેલી નાણાકીય લેવડદેવડ સંદર્ભે વિધાનસભ્યોએ ચિંતા વ્યક્ત કરી છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન થયેલા કારભાર અંગે શંકા વ્યક્ત કરી હતી. શહેરી વિકાસ વિભાગ અંગેની ગતિવિધિનો કારભાર મારે હસ્તક હોવાથી મેં છેલ્લાં ૨૫ વર્ષ દરમિયાન કરવામાં આવેલી નાણાકીય લેવડદેવડની તપાસ કરવા ત્રણ સભ્યોની સમિતિની નિમણૂક કરી છે. સમિતિ પોતાનો અહેવાલ રજૂ કરશે એ પછી સરકાર શ્ર્વેત પત્ર જારી કરશે. (પીટીઆઈ)