આમચી મુંબઈ

મુંબઈ પોલીસે હત્યાના કેસમાં ફરાર આરોપીને 31 વર્ષ બાદ ઝડપ્યો

મુંબઈ: હત્યાના કેસમાં ફરાર અને જેને મૃત માની લેવામાં આવ્યો હતો, એ 62 વર્ષના આરોપીને મુંબઈ પોલીસે 31 વર્ષના બાદ નાલાસોપારાથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ દીપક નારાયણ ભીસે તરીકે થઇ હોઇ તેની પત્નીનો મોબાઇલ નંબર મળ્યા બાદ પોલીસે તેને શોધી કાઢ્યો હતો.

નાલાસોપારામાં સ્થાયી થવા અગાઉ દીપક ભીસેએ ઘણી જગ્યાઓ બદલી હતી. નાલાસોપારામાં તે છેલ્લાં બે વર્ષથી પરિવાર સાથે રહેતો હતો અને વૃક્ષ કાપવાના કોન્ટ્રાક્ટ લેતો હતો.

1989માં રાજુ ચિકનાની હત્યા કરવાનો અને ધર્મેન્દ્ર સરોજ નામની વ્યક્તિની હત્યાની સુપારી લેવાનો ભીસે પર આરોપ છે.
હત્યાકેસમાં 1992માં ભીસેને જામીન મળ્યા હતા, પણ બાદમાં તે કોર્ટમાં કેસની સુનાવણી વખતે ક્યારેય હાજર થયો નહોતો. 2003માં કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો હતો અને તેને શોધી કાઢવાનું પોલીસને કહ્યું હતું.

પોલીસ જ્યારે પણ કાંદિવલીના તુળસ્કરવાડી ખાતેના નિવાસસ્થાને જતી ત્યારે સ્થાનિક લોકો કહેતા કે ભીસે કદાચ મૃત્યુ પામ્યો હશે, પણ પોલીસ તેને શોધતી રહી.

તપાસ દરમિયાન પોલીસે ભીસેની પત્નીનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને બાદમાં પોલીસે તેને શુક્રવારે રાતે નાલાસોપારાથી શોધી કાઢ્યો હતો. ભીસે તેની પત્ની, બે પુત્ર અને પુત્રી સાથે અહીં સ્થાયી થયો હતો.

કાંદિવલી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર નીતિન સાટમે કહ્યું હતું કે હત્યાના પ્રયાસના કેસમાં ભીસેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં તેને હાજર કરવામાં આવ્યા બાદ તેને થાણેની જેલમાં મોકલી અપાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button