
થાણેઃ ઘાટકોપર બાદ હવે મુંબઈ નજીકના થાણે વિસ્તારમાં એક અજગર ઘરની બારીની ગ્રિલ પર વીંટળાયેલો જોવા મળ્યો હોવાનો અને બે વ્યક્તિ એને પકડવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જોકે, આ વીડિયો સાચે થાણે વિસ્તારનો છે કે નહીં તેની કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ આ વીડિયો સોશિયલ પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયો બાબતે કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે થાણેનો છે. આશરે દસેક ફૂટ લાંબો આ અજગર અડધો ઘરની બારી પર વીંટળાયેલો જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિએ અંદરથી અજગરનું મોઢું પકડ્યું છે, જ્યારે બીજી વ્યક્તિ તેને બહારથી ધક્કો મારીને નીચે લાવવાનો પ્રયાસ કરી રહી છે. જે રીતે આ બંને યુવક ડર્યા વિના વિરાટકાય અજગરને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે એ જોતા આ બંને સર્પમિત્ર હોવાનું કહેવાઈ રહ્યું છે.
દરમિયાન વીડિયોમાં આગળ એવું પણ જોવા મળી રહ્યું છે તે બંને જણ અજગર પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અંદર ઊભેલા યુવકના હાથમાંથી આ અજગર છટકી જાય છે અને છેક નીચે પડી જાય છે.
આ વીડિયો બાબતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે થાણેના નૌપાડા વિસ્તારનો છે. પરંતુ આ બાબતે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. થાણેના નાગરિકે જ ઘરમા બર્મામાં જોવા મળતો આ અજગર ઘરમાં પાળ્યો હતો એવી શંકા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા પણ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પણ આ વીડિયો જોઈને નેટિઝન્સની આંખો પહોળી થઈ ગઈ છે, એ વાત તો ચોક્કસ છે.