આમચી મુંબઈ

સગીરા પર બળાત્કારના કેસમાં આરોપીને 10 વર્ષ બાદ 10 વર્ષની કેદ

થાણે: થાણેમાં 2013માં 11 વર્ષની સગીરા પર બળાત્કાર અને જાતીય સતામણીના કેસમાં કોર્ટે 32 વર્ષના આરોપીને 10 વર્ષની સખત કેદ ફટકારી હતી.

પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (પોક્સો)ના કેસના વિશેષ જજ દિનેશ એસ. દેશમુખે બુધવારે આ કેસમાં ચુકાદો આપ્યો હતો.

બબલુ ઉર્ફે મોહંમદ મુસ્તફા ઇમ્તિયાઝ શેખને ભારતીય દંડસંહિતાની કલમ 376 (બળાત્કાર) અને પોક્સો એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી બબલુને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

આ પણ વાંચો: યુવતી પર બળાત્કાર ગુજારવા, તેના ત્રાસ આપવા બદલ આઇટી પ્રોફેશનલની ધરપકડ…

વિશેષ સરકારી વકીલ સંધ્યા મ્હાત્રેએ કહ્યું હતું કે આરોપી અને પીડિતા મુંબ્રાના એક જ વિસ્તારમાં રહેતા હતા. ગુના સમયે આરોપી 20 વર્ષની વયનો હતો.

6 જુલાઇ, 2013ની સાંજે પીડિતા સ્કૂલેથી ઘરે આવી રહી હતી ત્યારે અધવચ્ચે આરોપી તેને મળ્યો હતો અને સાથે આવવા માટે કહ્યું હતું. જો આમ ન કરે તો તેના પરિવારજનોને મારી નાખવાની તેણે પીડિતાને ધમકી આપી હતી.

આરોપી બાદમાં તેને પોતાના ઘરે લઇ ગયો હતો, જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ ઘરે જઇને માતાને તમામ હકીકત જણાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

આ પણ વાંચો: ઈચ્છાથી શારીરિક સંબંધો રાખતી ને પછી બળાત્કારનો આરોપ કરતી મહિલાઓને ટકોર કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

મ્હાત્રેએ જણાવ્યું હતું કે કેસ પુરવાર કરવા માટે પીડિતા, તેની માતા સહિત છ સાક્ષીદારની જુબાની નોંધવામાં આવી હતી. બચાવપક્ષના વકીલે દલીલ કરી હતી કે આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો, કારણ કે પીડિતાની માતા તેના જમાઇ માટે એક કોન્ટ્રેક્ટ મેળવવા માગતી હતી, જે આરોપીએ મેળવ્યો હતો. જોકે કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી.

વિશેષ જજ દેશમુખે નિર્દેશ આપ્યા હતા કે દંડની રકમ પીડિતાને વળતર તરીકે આપવામાં આવે. વધારાના વળતરની ચુકવણી માટે આ કેસ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને મોકલવામાં આવ્યો છે.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button