લગ્ન મુલતવી રાખવાના પરિવારના આગ્રહને કારણે હતાશ થયેલા યુવકે કરી આત્મહત્યા

થાણે: લગ્ન મુલતવી રાખવાના પરિવારજનોના આગ્રહને કારણે હતાશ થયેલા 19 વર્ષના યુવકે ગળાફાંસો ખાધો હોવાની ઘટના ડોંબિવલી વિસ્તારમાં બની હતી.
ડોંબિવલીમાં રહેતો મૃતક ઝારખંડનો વતની હતો અને તેના વતનમાંથી યુવતીને પ્રેમ કરતો હતો. તે યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો. જોકે પરિવારજનોએ તેને લગ્ન માટે કાયદેસર રીતે માન્ય 21 વર્ષની ઉંમર સુધી રાહ જોવા માટે કહ્યું હતું, જેને કારણે તે હતાશ થઇ ગયો હતો.
આપણ વાચો: નાયગાંવમાં યુવાને ગળાફાંસો ખાધો: વીડિયોમાં પરિવાર પર હેરાનગતિનો લગાવ્યો આરોપ
માનસિક તાણ અનુભવી રહેલા યુવકે 30 નવેમ્બરે પોતાના ઘરે છત સાથે સ્કાર્ફ બાંધીને ગળાફાંસો ખાધો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.
દરમિયાન બનાવની જાણ થતાં માનપાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે તપાસ માટે આવી પહોંચ્યો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)



