થાણેમાં 76 વર્ષની મહિલાને કોર્ટે દોષિત ઠેરવી, જાણો ચોંકાવનારો કિસ્સો?
મુંબઈઃ દસ વર્ષની બાળકીની જુબાનીને પગલે પુત્રવધૂને જીવતી સળગાવી દેવા બદલ થાણે સેશન્સ કોર્ટે 76 વર્ષની એક મહિલાને દોષિત ઠેરવી છે. છ વર્ષ પહેલા આગ ચાંપવાની દુર્ઘટના નજરે જોનારી બાળકી એકમાત્ર સાક્ષી હતી.
સેશન્સ જજ ડી એસ દેશમુખે બુધવારે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે જમનાબેન મંગલદાસ મંગે સામેના આરોપોને તમામ શંકાઓનું નિવારણ કરી સાબિત કરતા અદાલતે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.
જોકે, અદાલતે પીડિતાના પતિ અશોક મંગે (40)ને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા. ન્યાયમૂર્તિએ વૃદ્ધ મહિલાને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો, જે વળતર પેટે બાળકીને ચૂકવવામાં આવશે.
અતિરિક્ત સરકારી વકીલ સંધ્યા એચ મ્હાત્રેએ અદાલતને જણાવ્યું હતું કે અશોક મંગે સાથે લગ્ન કરનાર દક્ષા મંગે (30)ને તેની સાસુ જમનાબેન મંગેનો ત્રાસ સહન કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : દક્ષિણ મુંબઈના ત્રણ મોકાના પ્લોટ માટે પાલિકા ફરી ટેન્ડર બહાર પાડશે
ફરિયાદીએ જણાવ્યું હતું કે ઘટનાના અઢી મહિના પહેલા આરોપીએ પુત્રવધૂને ઘરની બહાર કાઢી મૂકી હતી. સાસુએ પુત્રવધૂ પર હુમલો કર્યો હતો અને અગાઉ પણ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી.
જમનાબેન પુત્રવધૂને ઢસડીને રસોડામાં લઈ ગયા હતા અને કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. ફરિયાદ પક્ષે અદાલતને જણાવ્યું હતું કે ત્યાર બાદ 10 વર્ષની બાળકીએ મદદ માટે બુમ પાડી માતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીની જુબાની અને પીડિતાએ મૃત્યુ વખતે આપેલું નિવેદન મજબૂત પુરાવો સાબિત થયા હોવાનું મ્હાત્રેએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)