મૃત વેપારીના બૅંક ખાતામાંથી 27 લાખ રૂપિયાની ઉચાપત: મહિલા વિરુદ્ધ ગુનો…

થાણે: થાણે જિલ્લામાં વેપારીના મૃત્યુ બાદ તેના બૅંક ખાતામાંથી 27 લાખ રૂપિયાની ઉચાપત કરવા અને તેની ઓફિસની મિલકતનો દુરુપયોગ કરવા બદલ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આરોપી મહિલા તમિળનાડુના તિરુનેલવેલીની રહેવાસી હોઇ તેના વેપારીના પરિવાર સાથે લાંબા સમયથી વ્યાવસાયિક સંબંધ હતા અને તેણે વેપારી મિલકતો અને દસ્તાવેજોની માહિતી મેળવી લીધી હતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં વેપારીની પત્નીએ જણાવ્યું હતું કે તેના પતિના મૃત્યુ બાદની પરિસ્થિતિનો મહિલાએ લાભ લીધો હતો અને કેમેરા સહિતના ઓફિસના ઉપકરણોનો દુરુપયોગ કર્યો હતો. ઉપરાંત બૅંક ખાતામાંથી 27 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.
પોલીસે આ ફરિયાદને આધારે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોઇ નાણાકીય વ્યવહારો તેમ જ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, એમ ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



