થાણેમાં આખરે ૫૦ ટકા પાણીકાપથી રાહત: નાગરિકો જોકે હજી પણ બેહાલ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: લગભગ ત્રણ અઠવાડિયાથી પાણી માટે પરેશાન થઈ રહેલા થાણેવાસીઓને રાહત મળે એવી શક્યતા છે. ક્ષતિગ્રસ્ત પાઈપલાઈનનું સમારકામ પૂરું થઈ ગયું હોવાથી બહુ જલદી પાણીપુરવઠો પૂર્વવત્ થશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. જોકે સ્થાનિક નાગરિકો તેમની હાલાકીનો હજી પણ અંત આવ્યો ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
કલ્યાણ ફાટા પાસે મહાનગર ગેસ લિમિટેડ દ્વારા ટનલ ખોદવાના કામને કારણે પાઈપલાઈનને સતત ત્રણ વખત નુકસાન પહોંચાડયું હતું. પહેલી વખત છ ડિસેમ્બરે પાઈપલાઈનને નુકસાન પહોંચાડયું હતું તેથી તે વખતે એક અઠવાડિયા માટે ૩૦ ટકાનો પાણીકાપ રાખ્યો હતો પણ ત્યારબાદ ઉપરાઉપરી બે વખત પાઈપલાઈનને નુકસાન પહોંચડતા ૫૦ ટકા પાણીકાપ છેક ૧૯ ડિસેમ્બર સુધી લંબાઈ ગયો હતો.
છેલ્લા ત્રણ અઠવાડિયા દરમ્યાન થાણેના ઘોડબંદર રોડ પરની પોશ હાઉસિંગ સોસાયટીથી લઈને કલવા-મુબ્રાની ઝૂંપડપટ્ટીના નાગરિકોને ખાનગી ટેન્કર સપ્લાયરો પાસેથી પાણી ખરીદવાની નોબત આવી હતી. પાણી માટે થાણેના નાગરિકોને વલખા મારવા પડી રહ્યા છે.
જોકે હવે પાઈપલાઈનનું સમારકામ બુધવારના મોડી રાતે થઈ ગયું હોવાથી થાણેવાસીઓનો પાણીપુરવઠો પૂર્વવત્ થશે એવું આશ્ર્વાસન થાણેના મહાનગરપાલિકાના એક્ઝિક્યુટીવ એન્જિનિયર દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યુંં હતું કે સમારકામ બુધવારે મોડી રાતે થઈ ગયું હતું પણ પાણી પુરવઠો નોર્મલ થવામાં થોડો સમય લાગશે. જોકે ગુરુવાર બાદ શુક્રવારે પણ થાણેના અનેક વિસ્તારમાં પાણીના ધાંધિયા રહ્યા હતા.
થાણે મહાનગરપાલિકાના પાણીવિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયરે જણાવ્યું હતું કે થાણે શહેરને દરરોજ ૫૯૦ મિલ્યિન લિટર પાણી પુરવઠો થાય છે. તેની સામે પ્રતિદિન પાણીની માગ ૬૨૧ મિલ્યન લિટરની છે. ૩૧ મિલ્યન લિટર પાણી ઓછું મળે છે. થાણેને ચાર સ્રોતમાંથી પાણી મેળવે છે જે તમામ થાણે જિલ્લાના શાહપુરમાં આવેલા છે.
તમામ સ્રોત ભાતસા ડેમમાંથી પાણી ખેંચે છે. શહેરની પાણીની માગ સતત વધી રહી છે તેની સામે પાણીની અછત વધી રહી છે. થાણે પાલિકા દ્વારા રાજ્ય સરકારને શાહપુરના કાલુ અને શાહી ડેમમાંથી પાણી ફાળવવા માટે વિનંતી કરવામાં આવી છે પણ માગણી પૂરી કરવામાં આવી નથી.
થાણે પ્રશાસનના દાવાને જોકે થાણેના નાગરિકો ફગાવી દેતા ફરિયાદ કરી રહ્યા છે કે સ્થાનિક ટેન્કર માફિયાઓને કારણે પાણીની અછત નિર્માણ થઈ છે. ટેન્કર માફિયાઓ કથિત રીતે પાલિકાના અધિકારીઓ સાથે મળીને ગેરકાયદે રીતે ભાતસા પાઈપલાઈનમાંથી પાણી ખેંચે છે અને થાણેને ઓછું પાણી મળે છે.



