થાણેમાં પાણીના ધાંધિયા ત્રણ અઠવાડિયાથી પાણી માટે વલખા…

ફરી એક વખત અઠવાડિયા માટે ૫૦ ટકા પાણીકાપ લંબાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: એક તરફ થાણે મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે થાણેના રહેવાસીઓની પાણીની સમસ્યા પૂરી થવાનું નામ નથી લઈ રહી. છઠ્ઠી ડિસેમ્બરથી થાણેમાં પાણીની સમસ્યાને પગલે પાણીકાપ લાદવામાં આવ્યો હતો તે હવે ૧૯ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હોવાથી હજી તેમને પાણીની સમસ્યા ભોગવવી પડશે. થાણે પાલિકા દ્વારા સોમવારે ફરી એક વખત સમગ્ર શહેરમાં ૧૯ ડિસેમ્બર સુધી ૫૦ ટકા પાણીકાપ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ ત્રીજી વખત પાણીકાપને લંબાવવામાં આવ્યો છે.
કલ્યાણ ફાટા પાસે મહાનગર ગૅસના કામમાં થાણે શહેરને પાણીપુરવઠો કરનારી પિસે બંધમાંથી ટેમઘર વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી પુરવઠો કરનારી ૧,૦૦૦ ડાયામીટરની પાઈપલાઈનને ગુરુવારે,૧૧ ડિસેમ્બરના કલ્યાણ ફાટા પાસે મહાનગર ગેસ લિમિટેડના કામ દરમ્યાન નુકસાન પહોંચ્યું હતું. યુદ્ધના ધોરણ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે પાણીની પાઈપલાઈન બહુ જૂની અને સિમેન્ટ-કૉંક્રીટની બનેલી હોવાથી તેના સમારકામમાં ચાર દિવસથી વધુ સમય લાગી શકે છે.
તેને કારણે થાણે શહેરના પાણીપુરવઠામાં તાત્કાલિક ધોરણે સોમવાર, ૧૫ ડિસેમ્બર સુધી ૫૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો પણ આ કામ હજી સુધી પૂરું થયું નથી. તેથી સોમવાર, ૧૫ ડિસેમ્બરના થાણે પાલિકા દ્વારા ફરી એક વખત ૫૦ ટકા પાણીકાપને લંબાવી દેવામાં આવ્યો છે. હવે ૫૦ ટકા પાણીકાપ ૧૯ ડિસેમ્બર, શુક્રવાર સુધી રહેશે.
થાણે પ્રશાસનના જણાવ્યા મુજબ શહેરમાં તમામ લોકોને એક સમાન પાણી મળી રહે તે માટે ૧૯ ડિસેમ્બર સુધી પાણી પુરવઠો ઝોનલ સિસ્ટમ મુજબ કરવામાં આવશે. ઝોનલ મેથડમાં પાણીપુરવઠાના જુદા જુદા સ્રોતમાંથી મેળવલ પાણીને દરેક વિસ્તારમાં એક સમાન પાણીપુરવઠો કરવામાં આવે છે. સમારકામ પૂરું થાય નહીં ત્યાં સુધી દરેક ઝોનમાં દિવસના ૧૨ કલાક માટે જ પાણીપુરવઠો કરવામાં આવશે.
નોંધનીય છે કે આ અગાઉ પણ છ ડિસેમ્બરના મહાનગર ગેસ લિમિટેડ દ્વારા કલ્યાણ ફાટા પાસે જ ૧,૦૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તેને કારણે થાણે શહેરમાં ત્રણ દિવસ માટે ૩૦ ટકા પાણીકાપ મુકવામાં આવ્યો હતો. આ સમારકામ હજી પૂરું થયું નહોતું ત્યાં તો મહાનગર ગેસ દ્વારા ફરી પાઈપલાઈનને નુકસાન પહોંચાડવામાં આવતા છ ડિસેમ્બરથી થાણેવાસીઓ પાણીને લઈને હેરાનપરેશાન થઈ ગયા છે.



