થાણેમાં પાણીના બિલ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોના ૪,૪૩૦ નળના જોડાણ કાપી નાંખ્યા
પાણીના બાકી રહેલા બિલ ભરવા ત્રણ દિવસની મુદત
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: પાણીના બિલ ભરવા માટે ડિફોલ્ટરોને વખતોવખત રિમાઈન્ડર મોકલ્યા બાદ પણ પણ બિલ નહીં ભરનારા સામે થાણે મહાનગરપાલિકાએ છેલ્લા એક વર્ષમાં આકરી કાર્યવાહી કરી છે, જે અંતર્ગત એપ્રિલ- ૨૦૨૩-૨૪ દરમિયાન ૪,૪૩૦ નળના જોડાણ ખંડિત કરવામાં આવ્યા છે. પાણીના બિલ ભરવા માટેની અંતિમ મુદત ૩૧ માર્ચ, ૨૦૨૪ની છે. જે ગ્રાહકે બાકી રહેલા બિલ અને હાલના પાણીના બિલ નહીં ભર્યા તો તેમના નળના જોડાણ કાપી નાખવાની કાર્યવાહી પહેલી એપ્રિલથી ચાલુ કરવામાં આવશે એવી પાલિકાએ જાહેરાત કરી છે.
થાણે મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૩-૨૪ના આર્થિક વર્ષમાં કુલ ૨૦૧ કરોડ રૂપિયાના પાણીના બિલ વસૂલ કરવા અપેક્ષિત હતા. અત્યાર સુધી ૧૧૪ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. જે ગ્રાહકે પોતાના અગાઉના બિલની રકમ તેમ જ ચાલુ વર્ષના પાણીના બિલ જમા નહીં કર્યા તેમને ૩૧ માર્ચ સુધી તમામ બિલ ચૂકવી દેવાની અપીલ થાણે પાલિકાએ કરી છે.
થાણે પાલિકા પ્રશાસને એવી પણ જાહેરાત કરી છે કે રહેણાંક વિસ્તારમાં ઘરમાં નળ ધરાવતી વ્યક્તિએ ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી પાણીના બાકી રહેલા બિલ (એરિયર્સ) અને ચાલુ વર્ષન બિલ એક સાથે જમા કરશે તેમને બાકી રહેલા બિલ પર જે દંડ લાગુ કરવામાં આવ્યો છે, તેમાં ૧૦૦ ટકા રાહત આપવામાં આવશે. આ યોજના જે બિલ અગાઉ જમા કરી દીધા છે તેમને તેમ જ કર્મશિયલ ડિફોલ્ટરોને લાગુ પડશે નહીં.
થાણે પાલિકાના જણાવ્યા મુજબ મુંબ્રામાં ૯૦૫, કલવામાં ૭૯૬, નૌપાડા-કોપરીમાં ૬૮૨, વાગલે એસ્ટેટમાં ૬૬૦, દિવામાં ૫૫૩, લોકમાન્ય-સાવરકર નગરમાં ૩૯૮, ઉથળસરમાં ૨૮૩, વર્તક નગરમાં ૮૯, માજીવાડા-માનપાડામાં ૬૪ એમ કુલ ૪,૪૩૦ જોડાણ કાપી નાંખવામાં આવ્યા છે.