લોન પાછી ન ચૂકવનારા દુકાનદારનું અપહરણ કરી ફટકાર્યો: પાંચ સામે ગુનો

થાણે: ઉછીનાં લીધેલાં નાણાં પાછાં ન ચૂકવનારા દુકાનદારનું પાંચ જણે કથિત અપહરણ કર્યા બાદ લેણદારની ઑફિસમાં તેને બેરહેમીથી ફટકાર્યો હોવાની ઘટના થાણેમાં બની હતી.
પોલીસ ફરિયાદ અનુસાર મોબાઈલ ફોન રિપેરની દુકાનના માલિકે એક આરોપી પાસેથી લોન લીધી હતી, જેના હપ્તા ફરિયાદી દુકાનદાર ચૂકવી શક્યો નહોતો.
આ પણ વાંચો: મુંબઈમાં પિતાનું અપહરણ કરીને 10 લાખની ખંડણી માગી: છ જણ ઝડપાયા
બાજારપેઠ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 28 માર્ચે પાંચ જણ કલ્યાણના આંબિવલી ખાતેના ફરિયાદીના ઘર નજીક પહોંચ્યા હતા. આરોપીઓ બાઈક પર જબરદસ્તી ફરિયાદીને ભોઈવાડામાં આવેલી લેણદારની ઑફિસે લઈ ગયા હતા.
ઑફિસમાં ફરિયાદીને હૉકી સ્ટિક્સ, બેલ્ટ અને અન્ય વસ્તુથી ફટકારવામાં આવ્યો હતો. લગભગ ચાર કલાક સુધી બંધક બનાવી રાખ્યા પછી ફરિયાદીને છોડવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દુકાનદારની ફરિયાદને આધારે પોલીસે પાંચ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 142, 118(1), 352, 351(2) અને 3(5) હેઠળ ગુનો નોંધ્યો હતો. ઘટના ખડકપાડા પોલીસની હદમાં બની હોવાથી વધુ તપાસ માટે કેસ ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. (પીટીઆઈ)