થાણેમાં સિનિયર સિટિઝને શેર ટ્રેડિંગ ફ્રોડમાં 6.44 કરોડ રૂપિયા ગુમાવ્યા

થાણે: ઓનલાઇન શેર ટ્રેડિંગ સ્કીમમાં રોકાણને બહાને 70 વર્ષના સિનિયર સિટિઝન સાથે બે વ્યક્તિએ 6.44 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ 24 સપ્ટેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન છેતરપિંડી આચરાઇ હતી. અદ્વિકા શર્માઈ અને રાકેશ ઝા તરીકે પોતાની ઓળખ આપનારા આરોપીઓએ ફરિયાદીનો કંપનીના વ્હૉટ્સઍપ ગ્રૂપ દ્વારા સંપર્ક સાધ્યો હતો અને શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતર અને સારા નફાનું વચન આપ્યું હતું.
આપણ વાચો: સુરતના શાહ દંપતીએ સ્ટાર્સનો ઉપયોગ કરીને કરોડોનું ફૂલેકું ફેરવ્યું
દરમિયાન ફરિયાદીને શેર ટ્રેડિંગ માટે અકાઉન્ટ ખોલવાની સૂચના આપવામાં આવી હતી અને તેણે રોકેલા રૂપિયા તથા મળેલા વળતરની રકમ તેમાં ડિપોઝિટ કરવામાં આવી હતી. આરોપી રાકેશ ઝાએ ફરિયાદીના અકાઉન્ટમાં એક્સેસ મેળવીને 6.44 કરોડની ઉચાપત કરી હતી.
આ પ્રકરણે નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે પોલીસે મંગળવારે ભારતીય ન્યાય સંહિતા તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)



