સિનિયર સિટિઝનને ડિજિટલ અરેસ્ટનો ડર દેખાડીને 23 લાખ રૂપિયાની ઠગાઇ આચરી…

થાણે: થાણે જિલ્લામાં 68 વર્ષના સિનિયર સિટિઝનને સાયબર ગુનેગારોએ ડિજિટલ અરેસ્ટનો ડર દેખાડીને તેની સાથે 23.5 લાખ રૂપિયાની ઠગાઇ આચરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં એક સપ્તાહમાં આ પ્રકારની બીજી ઘટના નોંધાઇ છે.
કલ્યાણના મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર વિનોદ પાટીલે જણાવ્યું હતું કે આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે બે અજાણી વ્યક્તિએ તેને ડિજિટલ અરેસ્ટ કરવાની ધમકી આપી હતી અને 8થી 12 ડિસેમ્બર દરમિયાન તેને ઓનલાઇન વ્યવહારો દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવા માટે દબાણ કર્યું હતું.
આરોપીઓએ વ્હૉટ્સઍપ વીડિયો કૉલથી ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમના બૅંક ટ્રાન્ઝેક્શન્સ શંકાસ્પદ છે અને તે કથિત ગેરરીતિ સાથે કડી ધરાવે છે.આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે તેમની ડિજિટલ અરેસ્ટ થઇ શકે છે. જોકે તેમણે ખાતરી આપી હતી કે જો તેઓ સહકાર આપશે તો કાનૂની કાર્યવાહી ટાળી શકાશે.
આરોપીઓએ વારંવાર ફરિયાદીને ધમકી આપી હતી અને વિવિધ બૅંક અકાઉન્ટ્સમાં 23.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી.દરમિયાન ફરિયાદીએ આ અંગેની જાણ પરિચિતોને કર્યા બાદ છેતરપિંડી પ્રકાશમાં આવી હતી. બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. (પીટીઆઇ)
આ પણ વાંચો…મુંબઈમાં 10 મહિનામાં ‘ડિજિટલ અરેસ્ટ’ના 142 કેસઃ રુ. 114 કરોડની છેતરપિંડી…



