થાણેમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે સિનિયર સિટિઝન સાથે 1.06 કરોડની ઠગાઇ

થાણે: થાણેમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 78 વર્ષના સિનિયર સિટિઝન સાથે 1.06 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
સિનિયર સિટિઝનનો મોબાઇલ નંબર આરોપીએ પ્રથમ એક વ્હૉટ્સઍપ ગ્રૂપમાં ઍડ કર્યો હતો અને આકર્ષક વળતરનું આશ્ર્વાસન આપીને રોકાણ માટે તેને અન્ય ગ્રૂપમાં જોડાવા માટે કહ્યું હતું, એમ રાબોડી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
આરોપી પર વિશ્વાસ રાખીને સિનિયર સિટિઝને વિવિધ બૅંક ખાતાંમાં 21 ઑનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યાં હતાં. તેણે ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન કુલ 1.06 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે તેણે પોતાના રૂપિયા પાછા માગ્યા ત્યારે આરોપી તેને ટાળવા લાગ્યો હતો અને તેના કૉલ પણ લેવાનું બંધ કરી દીધું હતું.
પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં સિનિયર સિટિઝને રાબોડી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુરુવારે આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો અને તેની શોધ આદરી હતી.
(પીટીઆઇ)



