માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 72 લાખનું વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 72 લાખનું વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ

થાણે: થાણેમાં એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) ચાર વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 33 વર્ષના યુવકના પરિવારજનોને 72.04 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ 20 ઑગસ્ટે આપેલા પોતાના આદેશમાં અકસ્માત માટે જવાબદાર પક્ષને અરજીની તારીખથી નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાનું કહ્યું છે.

ખાનગી કંપનીમાં સિનિયર એનાલિસ્ટ તરીકે કામ કરતો સુનીલ લક્ષ્મણ પાટીલ એપ્રિલ, 2021માં ટૂ-વ્હીલર પર મુંબઈ-ગોવા હાઇવે પરથી જઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે આવનારા ટેન્કરે ટક્કર મારતાં તેનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: માર્ગ અકસ્માત બાદ મૃત્યુ પામેલા શિક્ષકના કુટુંબને 87 લાખ વળતર ચૂકવવાનો આદેશ

સુનીલ મહિને 29,822 રૂપિયા કમાતો હતો, જેને એમએસીટીએ વળતરની ગણતરી કરવા માટે ધ્યાનમાં લીધો હતો.
સુનીલ પાટીલની પત્ની, બે સંતાન અને માતા-પિતાએ દાવાની અરજી દાખલ કરી હતી અને તેમનું પ્રતિનિધિત્વ એડવોકેટ એસ.એમ. પવારે કર્યું હતું.

અકસ્માત માટે મૃતકની બેદરકારી જવાબદાર હતી, એવો દાવો બચાવ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને ટ્રિબ્યુનલે ફગાવી દીધો હતો. ટ્રિબ્યુનલે કહ્યું હતું કે ટેન્કરનો ડ્રાઇવર એ વ્યક્તિ હતો જેને અકસ્માત ટાળવાની છેલ્લી તક હતી.
ટ્રિબ્યુનલે વીમા કંપનીને પ્રથમ મૃતકના પરિવારને 7.04 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા અને તે બાદમાં ટેન્કરના માલિક પાસેથી વસૂલવાના નિર્દેશ આપ્યા હતા.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button