રોકાણ પર આકર્ષક વળતરની લાલચે નિવૃત્ત સરકારી અધિકારી સાથે 2.85 કરોડની ઠગાઇ

થાણે: શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 66 વર્ષના નિવૃત્ત સરકારી અધિકારી સાથે 2.85 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.
ડોંબિવલીના વિષ્ણુનગર વિસ્તારમાં રહેતા ફરિયાદીએ બે મહિનામાં રૂપિયા ગુમાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે અમુક લોકોએ તેનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની ઓળખ ઇન્વેસ્ટમેન્ટ કંપની અને સિક્યુરિટી ટ્રેડિંગ કંપનીના પ્રતિનિધિ તરીકે આપી હતી.
આ પણ વાંચો: ડોંબિવલીમાં 73 વર્ષની વૃદ્ધા સાથે લગ્નની લાલચે 62 વર્ષના વૃદ્ધે કરી 57 લાખની ઠગાઇ
તેમણે ફરિયાદીને શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતર અપાવવાનું આશ્વાસન આપ્યું હતું અને તેમના કહેવાથી ફરિયાદીએ વિવિધ બૅંક અકાઉન્ટ્સમાં 2.85 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
જોકે રોકાણ કરવા છતાં કોઇ વળતર ન મળતાં ફરિયાદીએ આરોપીઓનો સંપર્ક સાધ્યો હતો. જોકે શરૂઆતમાં તેમણે ઉડાઉ જવાબ આપ્યા હતા અને બાદમાં તેમનો કોઇ સંપર્ક થયો નહોતો. પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ વિષ્ણુનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.
(પીટીઆઇ)