થાણે, રાયગડમાં બે દિવસમાં ટ્રેન અકસ્માતમાં પાંચ જણે જીવ ગુમાવ્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણે, રાયગડમાં બે દિવસમાં ટ્રેન અકસ્માતમાં પાંચ જણે જીવ ગુમાવ્યા

થાણે: થાણે અને રાયગડમાં છેલ્લા બે દિવસમાં ટ્રેન અકસ્માતમાં પાંચ જણનાં મોત થયાં હતાં. આમાં મોટા ભાગના લોકો ટ્રેક પરથી જઇ રહ્યા હતા ત્યારે ટ્રેને તેમને ટક્કર મારી હતી.

પાંચમાંથી ચાર મૃત્યુ થાણે જિલ્લામાં અને એક મૃત્યુ રાયગડ જિલ્લામાં મધ્ય રેલવે દ્વારા સંચાલિત રૂટ પર થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: મુંબ્રા ટ્રેન અકસ્માતઃ જે સ્થળે અકસ્માત થયો એ સ્થળ છે રેલવેનું બ્લેક સ્પોટ, જાણો કોણે કર્યો આવો દાવો?

પહેલી ઘટના સોમવારે સાંજના 6.30 વાગ્યે બની હતી, જેમાં તુષાર ગોવિંદ કુર્લે (28)ને ભિવપુરી અને કર્જત રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેને અડફેટે લેતાં તેનું મૃત્યુ થયું હતું. કર્જત રેલવે પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.

બીજી તરફ મંગળવારે સવારના 30 વર્ષનો રાહુલ ઉમેશ સિંહ ટ્રેનમાં પ્રવાસી કરી રહ્યો હતો ત્યારે ભીડને કારણે સંતુલન ગુમાવતાં તે કલ્યાણ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાંથી નીચે પડ્યો હતો અને ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

મંગળવારે સવારે સાત વાગ્યે ટિટવાલા અને આસનગાંવ વચ્ચે ખડાવલી રેલવે સ્ટેશન નજીક વધુ એક અકસ્માત થયો હતો, જેમાં આશરે 40 વર્ષના શખસનું એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ થઇ નહોતી.

આપણ વાંચો: Video: જલગાંવમાં ટ્રેન અકસ્માત, અંબા એક્સપ્રેસે ટ્રકને ટક્કર મારી 500 મીટર ઢસડ્યો

બાદમાં બપોરે સુશાંત સુરેશ ઠાકરે (33) આસનગાંવ અને આટગાંવ સ્ટેશન વચ્ચે ટ્રેક પર ચાલી રહ્યો હતો ત્યારે કામખ્યા એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. સુશાંત ઠાકરે શહાપુરના માઉલી કિલ્લા વિસ્તારનો રહેવાસી હતો અને ખાનગી કંપનીમાં કામ કરતો હતો. રોજિંદી મુસાફર કરતા ઠાકરેનું ધ્યાન પાછળથી આવતી ટ્રેન પર ગયું નહોતું.

દરમિયાન મંગળવારે રાતના વધુ એક અકસ્માત થયો હતો, જેમાં 35 વર્ષની વ્યક્તિ વસઇ-દિવા લાઇન પર ભિવંડી અને ખારબાવ સ્ટેશન વચ્ચે ટ્રેક પર ચાલી રહી હતી ત્યારે એક્સપ્રેસ ટ્રેને તેને ટક્કર મારી હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button