હોટેલ-બારના માલિકો માટે થાણે પોલીસનો જાણી લેજો આદેશ

મુંબઈઃ નવા વર્ષના સ્વાગત માટે આખો દેશ સજ્જ થઇ ગયો છે. મુંબઇગરા માટે તો પહેલાં જ રેલવેએ ગૂડ ન્યૂઝ આપી દીધા છે ત્યાં હવે થાણેવાસીઓ માટે પણ એક ગૂડ ન્યૂઝ આવી રહ્યાં છે. હાલમાં જ થાણે ટ્રાફિક પોલીસના આસિસ્ટન્ટ કમિશનરે શહેરના હોટેલ, બાર અને ઢાબા ચલાવનારાઓને 31મી ડિસેમ્બરના દારુના નશામાં ધૂત ગ્રાહકોને ઘરે પહોંચાડવાનો આદેશ આપ્યો છે.
જો આ ગ્રાહકોના પોતાના વાહનો હોય તો હોટેલના માલિકે તેમના માટે ડ્રાઇવરની વ્યવસ્થા કરી આપવી પડશે અથવા તો રિક્ષામાં બેસાડીને તેમના ઘરે પહોંચાડવા પડશે તેવો આદેશ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.
જો તમારી પાસે આ વિકલ્પ નહીં હોય તો જે ગ્રાહક નશામાં છે તેનો નશો ઉતરે ત્યાં સુધી તેને હોટેલમાં રોકવાની વ્યવસ્થા કરવાનો હોટેલ, બાર અને ઢાબાના માલિકોને આદેશ આપવામાં આવ્યો છે.
આ વ્યવસ્થાને કારણે ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસ અને તેને કારણે ગાડી ચલાવનાર તથા રસ્તા પર ચાલનારાઓના જીવનું જોખમ ઘટી જશે, એવો વિશ્વાસ પોલીસે વ્યક્ત કર્યો છે. 2023 વર્ષને બાય બાય કહી 2024નું સ્વાગત ઝીરો એક્સિડન્ટ અભિયાન થાય તેવો પ્રયાસ થાણે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ સંદર્ભે બુધવારે હોટેલ એસોસિએશનના પદાધિકારીઓની થાણેના તીનહાથ નાકા પર આવેલ ટ્રાફિક વિભાગની ઓફિસમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં નવા વર્ષની ઉજવણીને લઇને નવી ગાઇડલાઇન અંગે ચર્ચા કરવામાં આવી હતી.