
થાણે: ‘નાણાં બમણાં’ કરવાની વિધિને નામે વકીલને રૂમમાં બંધ કરીને તેના 20 લાખ રૂપિયા લઇ ફરાર થયેલા બે જણને પોલીસે પકડી પાડી લોકઅપ ભેગા કરી દીધા હતા. આરોપીઓની ઓળખ સચિન ભરત શર્મા ઉર્ફે પ્રેમસિંહ સાધુ મહારાજ (35) અને જયદીપ દિનેશ પામેચા (25) તરીકે થઇ હતી. ઉત્તર પ્રદેશનો રહેવાસી સચિન શર્મા લેબર કોન્ટ્રેક્ટર છે, જ્યારે જયદીપ પામેચા રાજસ્થાનનો રહેવાસી છે અને સેલ્સમેન તરીકે કામ કરે છે. બંને જણ છ મહિનાથી પનવેલ વિસ્તારમાં રહેતા હતા.
આરોપીઓ એક મિત્ર મારફત મીરા રોડમાં રહેતા વકીલના સંપર્કમાં આવ્યા હતા. આરોપી સચિન શર્માએ વકીલને ખાતરી આપી હતી કે ધાર્મિક વિધિથી પૈસા બમણા કરી શકે છે. આરોપીઓએ 22 જુલાઇએ વકીલને 20 લાખ રૂપિયા લઇને નવી મુંબઈના સીબીડી બેલાપુર વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં બોલાવ્યો હતો, જ્યાં ધાર્મિક વિધિના ભાગરૂપે વકીલ પાસે પ્રાર્થના કરાવી હતી. તેમણે વકીલને રૂમમાં મંત્રનો જાપ કરવાનું કહ્યું હતું. વકીલ મંત્રનો જાપ કરી રહ્યો હતો ત્યારે આરોપીઓ બહારથી તાળું મારીને 20 લાખ સાથે ફરાર થઇ ગયા હતા.
આ ઘટના બાદ સીબીડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીઓની શોધ ચલાવવામાં આવી હતી. ટેક્નિકલ બાબતોને અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે પોલીસે બંને આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 19 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. આરોપીઓનો કોઇ ગુનાહિત રેકોર્ડ નથી, એમ તુર્ભે ડિવિઝનના એસીપી મયૂર ભુજબળે જણાવ્યું હતું.