સગીરા પર સામૂહિક બળાત્કારના કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા

થાણે: થાણે જિલ્લાની વિશેષ કોર્ટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ સામૂહિક બળાત્કારના કેસમાં આરોપીને દોષી ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
ભિવંડીમાં એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ જજ (પોક્સો) એન.કે. કરાંડેએ ગુરુવારે આપેલા પોતાના આદેશમાં પાલઘર જિલ્લાના રહેવાસી સાગર જાનુ ધનગટે (25)ને સજા ઉપરાંત પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
આ ગુનામાં અન્ય ત્રણ આરોપી પણ સંડોવાયેલા છે, જેઓ ગુના સમયે સગીર હતા. એ મામલો હાલ જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ સમક્ષ સુનાવણી હેઠળ છે.
આપણ વાચો: પંદર વર્ષની સગીરા પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર: પાંચ વિરુદ્ધ ગુનો
વિશેષ સરકારી વકીલ વિજય મુંડેએ કોર્ટને કહ્યું હતું કે 18 જાન્યુઆરી, 2019ના રોજ 17 વર્ષની સગીરા નદીમાંથી પાણી લઇને ઘરે પાછી આવી રહી હતી ત્યારે આરોપી સાગર ધનગટે તથા ત્રણ સગીરે તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
સગીરા એ સમયે આશ્રમશાળામાં ભણતી હતી અને પાલઘર જિલ્લામાં તેના પરિવારને રેશન ખરીદવામાં મદદ કરવા માટે ઘરે આવી હતી. સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હોવાની જાણ થયા બાદ તેની માતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
સગીરા સહિત તપાસકર્તા પક્ષના નવ સાક્ષીદારને પોક્સો કોર્ટમાં તપાસવામાં આવ્યા હતા, જેમાં ઠરાવાયું હતું કે તપાસકર્તા પક્ષે આરોપી સામે સામૂહિક બળાત્કાર અને પોક્સોના ગંભીર આરોપ સફળતાપૂર્વક સાબિત કર્યા છે. કોર્ટે બાદમાં આરોપીને સજા ફટકારી હતી. (પીટીઆઇ)



