આમચી મુંબઈ

કારની ડિપોઝિટની રકમ પરથી થયેલા વિવાદમાં યુવકની હત્યા: તેના મિત્રનું હત્યાના ઇરાદે અપહરણ કરનારા આરોપીઓ બે કલાકમાં શસ્ત્રો સાથે પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
થાણે જિલ્લામાં કારની ડિપોઝિટની રકમ પરથી થયેલા વિવાદમાં યુવકની હત્યા કર્યા બાદ તેના મિત્રનું હત્યાના ઇરાદે અપહરણ કરનારા ત્રણ આરોપીને પોલીસે બે કલાકમાં ઘાતક શસ્ત્રો સાથે ઝડપી પાડ્યા હતા. ડોંબિવલીના માનપાડામાં રહેનારા ત્રણેય આરોપીએ ગુનામાં વાપરેલી કાર પણ પોલીસે જપ્ત કરી હતી.

શિળ-ડાયઘર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સૈફઅલી નિઝામુદ્દીન ખાન (29), શોએબ નિઝામુદ્દીન ખાન (20) અને આરિફ અતાઉલ શાન (28) તરીકે થઇ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર માનપાડા પૂર્વમાં રહેનારા સૈફઅલી ખાને 29 જાન્યુઆરી, 2026ના રોજ ફરિયાદી મહંમદ ફૈઝલ મતીઉલ્લા શેખ પાસેથી ડિપોઝિટની રકમ લઇને પ્રતિદિન ભાડું નક્કી કરીને કાર ચલાવવા માટે આપી હતી. ફૈઝલે કાર પાછી આપી દીધી હતી, પરંતુ ડિપોઝિટની રકમ આરોપી પાછો આપી રહ્યો નહોતો, જેને કારણે તેમની વચ્ચે વિવાદ થયો હતો.

આ પણ વાંચો : રાજ્યમાં 11,000થી વધુ રોકાણકારો સાથે 500 કરોડ રૂપિયાની છેતરપિંડી આર્થિક ગુના શાખાએ ગુજરાતથી દંપતી સહિત ત્રણની ધરપકડ કરી

દરમિયાન સૈફઅલી ખાને ડિપોઝિટની રકમ લેવા માટે ફૈઝલને બોલાવ્યો હતો. આથી ફૈઝલ તેના મિત્રો અબુતાલીબ, સચિન અને અમન શેખ સાથે ઘટનાસ્થળે ગયો હતો, જ્યાં ફરી તેમની વચ્ચે વિવાદ થતાં આરોપી આરિફ ખાને ફૈઝલના મિત્ર અમને શેખને પાછળથી પકડી લીધો હતો, જ્યારે સૈફઅલી અને શોએબ ખાને અમન પર ચાકુના ઘા ઝીંકી દીધા હતા. અમનને બચાવવા આવેલા અબુતાલીબ પર પણ ચાકુથી હુમલો કરાયો હતો. આરોપીઓએ કરેલા હુમલામાં અમનનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું.

આરોપીઓએ ત્યાર બાદ હત્યાને ઇરાદે ફૈઝલનું અપહરણ કર્યું હતું અને તેની મારપીટ કરી તેની પાસેના રૂપિયા લૂંટી લીધા હતા. આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી, જેને આધારે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને પકડવા પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી હતી અને તેમણે મળેલી માહિતીને આધારે દેસાઇ ગાંવ ખાતે છટકું ગોઠવીને ત્રણેય આરોપીને શસ્ત્રો અને કાર સાથે ઝડપી પાડ્યા હતા અને અપહૃત ફૈઝલનો છુટકારો કરાવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button