પરિસરમાં વર્ચસ જમાવવા જાહેરમાં ચાકુહુલાવી યુવકની હત્યા: બેની ધરપકડ…
યુવક પર હુમલા બાદ આરોપીઓએ સ્થાનિક ફેરિયા અને રહેવાસીઓને ધમકાવી ડરનો માહોલ ઊભો કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણેમાં પોતાના વિસ્તારમાં વર્ચસવ જમાવવા ચાર જણે રાહદારીઓની ભીડવાળા માર્ગ પર જાહેરમાં ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી હોવાની ઘટના બનતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. યુવક પર હુમલા બાદ આરોપીઓએ સ્થાનિક રહેવાસીઓ અને ફેરિયાઓને ચાકુથી ધમકાવી ડરનો માહોલ ઊભો કર્યો હતો.
વર્તક નગર પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સાંજે 7.15 વાગ્યાની આસપાસ થાણે પશ્ચિમમાં લક્ષ્મી ચિરાગ નગર ખાતે બની હતી. આ પ્રકરણે કેતન સાટમ (30)ની ફરિયાદને પગલે પોલીસે મુખ્ય આરોપી આર્યન ગઢીવાલ (20), તુષાર નિરુખેકર (24), આકાશ શિંદે (28) અને ભાલ નામે ઓળખાતા 20 વર્ષના યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર થાણેના ખોપટ વિસ્તારના હંસનગરમાં રહેતો દર્શન દીપક શિંદે (27) તેના મિત્ર કેતન સાટમને મળવા આવ્યો હતો. બન્ને જણ લક્ષ્મી ચિરાગ નગર ખાતેની બૅન્ચ પર બેસી વાતો કરતા હતા ત્યારે આરોપી તેમની નજીક આવ્યા હતા. દર્શન અગાઉ એ જ વિસ્તારમાં રહેતો હોવાથી આરોપીઓનો પરિચિત હતો.
આરોપી આર્યન અને તુષારે સંબંધિત વિસ્તારમાં પોતાનું વર્ચસ જમાવવા દર્શનને દમદાટી આપવાનું શરૂ કર્યું હતું. ‘યે એરિયા હમારા હૈ… યહાં કે હમ ભાઈ હૈ’ એવું કહીને ગાળાગાળી કરી દર્શન સાથે ઝઘડો કર્યો હતો. મારપીટ પર ઊતરી આવ્યા પછી આરોપી તુષારે દર્શનના હાથ પકડી રાખ્યા હતા, જ્યારે આર્યને ચાકુથી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં દર્શન જમીન પર ફસડાઈ પડ્યો હતો.
ઘટનાને પગલે લોકો એકઠા થવા લાગતાં આરોપીઓએ ધાકધમકીથી બધાને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. ચાકુ દેખાડી ધમકાવતાં ફેરિયાઓ અને રાહદારીઓમાં ભાગદોડ મચી હતી. સ્થાનિક રહેવાસીઓએ પણ ડરના માર્યા ઘરનાં બારી-બારણાં બંધ કરી દીધાં હતાં.
દરમિયાન ગંભીર હાલતમાં નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલા દર્શનને તબીબે મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તુષાર અને આકાશને પકડી પાડ્યા હતા. મુખ્ય આરોપી આર્યન તેના સાથીઓ સાથે ફરાર હોવાથી પોલીસ તેમની શોધ ચલાવી રહી છે.
આપણ વાંચો : ઉલ્હાસનગરમાં પત્ની-પુત્રીની હત્યા કર્યા બાદ ઝવેરીએ કરી આત્મહત્યા