આમચી મુંબઈ

સગીરા સાથે દુષ્કર્મનો ગુનો નોંધાતાં યુવાને ઝેર પીને જીવન ટૂંકાવ્યું

થાણે: થાણે જિલ્લાના મુરબાડ તાલુકામાં 16 વર્ષની સગીરા સાથે કથિત દુષ્કર્મનો ગુનો નોંધાયા પછી પોલીસ શોધ ચલાવી રહી હોવાની માહિતી મળતાં યુવાને ઝેર પીને આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
મુરબાડ તાલુકાના એક ગામમાં 37 વર્ષના શખસ વિરુદ્ધ બળાત્કાર સંબંધી ભારતીય દંડ સંહિતાની કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.


સગીરાની ફરિયાદને આધારે બળાત્કાર ગુજારવા પ્રકરણે શનિવારે રાતે એફઆઈઆર નોંધી આરોપીની શોધ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ગુનો નોંધી શોધ ચલાવી રહી હોવાની માહિતી મળતાં આરોપી તેના મિત્રને ઘેર ગયો હતો, જ્યાં તેણે ઝેર પીધું હતું. હૉસ્પિટલમાં દાખલ કરાયેલા આરોપીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, એમ પ્રાથમિક તપાસ બાદ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રમોદ બાબરે જણાવ્યું હતું.


પોલીસે આરોપીની ઓળખ છતી કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે આરોપીએ તેના ગામમાં રહેતી કિશોરી સાથે તેની અંગત તસવીરો વાયરલ કરવાની ધમકી આપી 18 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન વારંવાર દુષ્કર્મ કર્યું હતું. આરોપીએ સગીરાના વડીલોની હત્યાની પણ ધમકી આપી હતી, એવું એફઆઈઆરમાં જણાવાયું હતું. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)

સંબંધિત લેખો

Back to top button