પાણી બિલના ડિફોલ્ટરો પાસેથી ૧૫ દિવસમાં વસૂલ્યા રૂ.૯.૮૮ કરોડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકાની હદમાં લાંબા સમયથી પાણીના બિલ નહીં ભરનારા સામે પાલિકાએ આકરી કાર્યવાહી હાથ ધરી હતી, તેને પરિણામે છેલ્લા ૧૫ દિવસ દરમ્યાન આ ઝુંબેશ હેઠળ ૯,૮૮,૧૪,૩૪૫ રૂપિયા વસૂલ કરવામાં સફળતા મળી છે.
આ કાર્યવાહી દરમ્યાન પાણીપુરવઠા વિભાગે ડિફોલ્ટરોના પાણીના જોડાણ ખંડિત કરવા, નોટિસ આપવી, પંપ જપ્ત કરવા અને પંપ રૂમ સીલ કરવા જેવા આકરા પગલા લીધા હતા.
થાણે પાલિકા કમિશનર સૌરભ રાવના નિર્દેશ મુજબ ૨૦ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમ્યાન વોર્ડ સ્તરે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં દિવામાં ૩૧૩ નળના જોડાણ ખંડિત કરવામાં આવ્યા હતા. ૨૧ પંપ જપ્ત અને ૩૪ રૂમ સીલ કરવામાં આવી હતી. તો કુલ ૩૨૪ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી.
આપણ વાચો: સુનેત્રા પવારની આકરી કાર્યવાહી, એનસીપીમાં સન્નાટો
કલવામાં ૭૦ નળના જોડાણ ખંડિત કરીને કુલ ૬૦૦ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. મુંબ્રામાં ૨૩૬ નળના જોડાણ ખંડિત કરવામાં આવ્યા હતા, ૧૮૧ પંપ જપ્ત કરીને ૪૧ પંપ સીલ કરવામાં આવીને કુલ ૩,૭૩૬ને નોટિસ ફટકારવામાં આવી હતી. નૌપાડા-કોપરીની હદમાં ૨૪૫ નળના જોડાણ ખંડિત કરીને ૩૭૦ને નોટિસ આપવામાં આવી હતી.
ઉથળસરમાં ૭૧ અને વર્તકનગરમાં ચાર, વાગલે એસ્ટેટ એક નળનું જોડાણ ખંડિત કરવામાં આવ્યું હતું. સમગ્ર થાણે પાલિકામાં ૧,૦૭૪ નળના જોડાણ ખંડિત કરવામાં આવ્યા હતા અને ૫,૦૫૬ ને નોટિસ ફટકારવામાં આવી હતી.



