થાણે પાલિકાએ વિક્રમી ૮૧૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ્યો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકાએ આર્થિક વર્ષ ૨૦૨૪-૨૫માં ૮૧૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કર્યો છે, જે લગભગ તેના મૂળ લક્ષ્યાંકના ૯૫ ટકા છે. આ અગાઉ ૨૦૨૩-૨૪ના આર્થિક વર્ષમાં ૭૦૨ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવ્યો હતો.
થાણે પાલિકા કમિશનર સૌરભ રાવના જણાવ્યા મુજબ કર વસૂલી માટે કરવામાં આવેલા પ્લાનિંગની સાથે જ ટેક્સધારકોએ પણ ડિજિટલ પર્યાયનો ઉપયોગ કરીને ટેક્સ સમયસર ચૂકવી દીધો હતો, તેને કારણે ટેક્સની વિક્રમી વસૂલી કરવામાં સફળતા મળી હતી. આ અગાઉ ૨૦૨૩-૨૪ના આર્થિક વર્ષમાં ૭૦૨ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ થયો હતો.
નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે ઓનલાઈન લિંકની સાથે જ શહેરમાં ૨૧ સેન્ટરોમાં ડાયરેકટ ડેબિટ/ક્રેડિટ કાર્ડ, ચેકની સાથે જ એટીએમ કાર્ડની સગવડ આપવામાં આવી હતી. એ સિવાય ટેક્સ વસૂલી માટે સ્પેશિયલ મોબાઈલ વૅન કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા. તેમ જ નાગરિકોને મોબાઈલ પર સતત એસએમએસ કરવાની સાથે જ ઓટોરિક્ષા પર પોસ્ટરો અને સોશિયલ મીડિયાની પણ મદદ લેવામાં આવી હતી.
આ દરમ્યાન પહેલી એપ્રિલથી નવા આર્થિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે પણ ટેક્સ વસૂલી કરવાનું ચાલુ થઈ ગયુ છે, જેમાં પહેલા જ દિવસે ૧,૫૭૦ કરદાતાઓએ એક કરોડ ૮૦ લાખ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો.
આ પણ વાંચો : મુંબઈમાં એમટીએનએલ, બીએસએનએલની સંપત્તિઓ પર નિર્ણય લેવા માટે સરકાર પેનલ બનાવશે: સિંધિયા