ભાયંદરમાં ચોરીની શંકા પરથી યુવકને મારી નાખ્યો:કોર્ટે ત્રણ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી…

થાણે: થાણે જિલ્લાની કોર્ટે ગુનાની ગંભીરતા અને ક્રૂરતાને ટાંકીને મૉબ લિન્ચિંગના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ કેસમાં ચોરીની શંકા પરથી 23 વર્ષના યુવકને બેરહેમીથી મારપીટ કરીને તેની હત્યા કરવામાં આવી હતી.
એડિશનલ સેશન્સ જજ વી.જી. મોહિતેએ શુક્રવારે આરોપી રામતેજ ઉર્ફે ગવ્યા રામા યાદવ (29), અમરજીત ઉર્ફે છાબિ બિંદ્રપ્રસાદ ગુપ્તા (29) અને ચિરાગ ઉર્ફે કાલ્યા શોભનાથ ઠાકુર (31)ને ભારતીય દંડસંહિતાની કલમ 302, 323 અને 504 હેઠળ દોષી ઠેરવ્યા હતા.
કોર્ટે ત્રણેય આરોપીને આજીવન કારાવાસની સજા ઉપરાંત પ્રત્યેકને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે અન્ય આરોપી શિવકુમાર ઉર્ફે લાલા બિંદર લોઢને શંકાનો લાભ આપી તમામ આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો.
ભાયંદર પૂર્વના ઇન્દિરાનગરમાં 6 માર્ચ, 2021ના રોજ આ ઘટના બની હતી.
જેમાં ચોરીની શંકા પરથી ટોળાએ સૂરજભાન ઓમપ્રકાશ સોની (23) અને વિકી ઉર્ફે અભિષેક સિંહની બેરહેમીથી મારપીટ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા સૂરજભાન સોનીનું મૃત્યુ થયું હતું અને પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઇ હતી કે ‘ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ અને મગજમાં ઇજાને કારણે મૃત્યુ થયું હતું.
એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર રશમી ક્ષીરસાગરે કહ્યું હતું કે આરોપીઓ સામેના આરોપ પુરવાર કરવા તપાસકર્તા પક્ષના 10 સાક્ષીદારને તપાસવામાં આવ્યા હતા. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે મારપીટના વીડિયોમાં ગુનાની ગંભીરતા અને ક્રૂરતા જોવા મળી હતી.
આરોપીઓ યુવાન ગુનેગારો હોવા છતાં અને તેમના પરિવારના સભ્યો તેમના પર નિર્ભર હોવા છતાં સજા સંભળાવતી વખતે ગુનો કરવાની રીત ધ્યાનમાં લેવી જોઇએ. જજે અવલોકન કર્યું હતું કે આરોપીઓ વતી દલીલ કરાયેલા મુદ્દાઓ ઉદારતા દર્શાવવા માટે અપૂરતા હતા. (પીટીઆઇ)



