Top Newsઆમચી મુંબઈ

થાણેના ગાયમુખથી મીરા-ભાયંદર મેટ્રો-૧૦ ફાસ્ટ ટ્રેક પર ૮,૦૦૦ કરોડનો મેટ્રો પ્રોેજેક્ટ ૨૦૩૦માં પૂરો થશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: થાણેના ગાયમુખથી મીરા-ભાયંદરના શિવાજી ચોક વચ્ચે દોડનારી ૯.૭ કિલોમીટર લાંબી મેટ્રો-૧૦ પ્રોજેક્ટ પર બહુ જલદી કામ શરૂ થવાનું છે. લગભગ ૮,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારી મેટ્રો-૧૦ની ડેડલાઈન ૨૦૩૦ની છે. આ પ્રોજેક્ટ માટે ૧૫ ડિસેમ્બર સુધીમાં ટેન્ડર બહાર પાડવામાં આવવાના છે.

થાણેના ગાયમુખથી શરૂ થઈને મીરા-ભાયંદરના શિવાજી ચોક સુધી દોડનારી મેટ્રો-૧૦ સંપૂર્ણ એલિવેટેડ રૂટ રહેશે. આ રૂટ પર પાંચ સ્ટેશન પ્રસ્તાવિત છે, જેમાં ગાયમુખ રેતી બંદર, ચેના ગાંવ, વર્સોવા ગાવ, કાશીમીરા અને મીરાગાવ થઈને તે શિવાજી ચોક સુધી પહોંચશે.

રાજ્યના પરિવહન વિભાગના પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે થાણેના ગાયમુખ અને શિવાજી ચોક વચ્ચેની મેટ્રો માટે લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આખરે આ પ્રોજેક્ટ પાટે ચઢવાનો છે. આ પ્રોજેક્ટ માટે ૧૫ ડિસેમ્બરના ટેન્ડર બહાર પાડવામાં આવવાના છે. આ રૂટ પર ૨.૩૧ સુધીમાં રોજના ૪.૬૬ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરશે એવો અંદાજ છે.

મંગળવારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના મુખ્યાલયમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં થાણે પાલિકા કમિશનર સૌરભ રાવ, મીરા-ભાયંદર કમિશનર રાધા શર્મા સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત ૯.૭ કિલોમીટરનો રૂટ સંપૂર્ણપણે એલિવેટેડ હશે. આ રૂટ થાણેના સૌથી ગીચ અને ટ્રાફિકવાળો વિસ્તાર ગણાતા ઘોડબંદરનો ટ્રાફિક હળવો કરશે એવું માનવામાં આવે છે.

આ લાઈન માટે ડેપો મોગરપાડામાં પ્રસ્તાવિત છે. આ પ્રોજેક્ટ ગાયમુખ (લાઈન ૪-એ) અને મિરાગાંવ (લાઈન-૯) પર ઈન્ટરચેન્જની સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે જ કનેક્ટિવિટીમાં સુધારો કરશે. અધિકારીના જણાવ્યા મુજબ ફોરેસ્ટ લેન્ડ, મેનગ્રોવ્ઝ, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને વાઈલ્ડ લાઈફ ઝોન તરફથી સંબંધિત મંજૂરીઓ પ્રગતિમાં છે. તો પ્રોેજેક્ટ માટે નીમવામાં આવેલા સલાહકારે ટેન્ડર દસ્તાવેજ તૈયાર કરી દીધા છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button