થાણેમાં મેટ્રોનો ટ્રાયલ રન સપ્ટેમ્બરમાં અને ડિસેમ્બર સુધીમાં શરૂ થવાની શક્યતા: શિંદે | મુંબઈ સમાચાર

થાણેમાં મેટ્રોનો ટ્રાયલ રન સપ્ટેમ્બરમાં અને ડિસેમ્બર સુધીમાં શરૂ થવાની શક્યતા: શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે જણાવ્યું હતું કે થાણેમાં બહુપ્રતિક્ષિત મેટ્રો સેવાનો ટ્રાયલ રન આવતા મહિને શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તેને નાગરિકો માટે ખુલ્લી મુકવામાં આવે એવી શક્યતા છે.

પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના નાગરિકો એન્ડ-ટુ-એન્ડ કમ્યુટ સોલ્યુશન્સ સાથે સીમલેસ મેટ્રો કનેક્ટિવિટીનો આનંદ માણશે, એમ શિંદેએ રવિવારે થાણે વર્ષા મેરેથોનનું ઉદ્ઘાટન કર્યા પછી પત્રકારોને જણાવ્યું હતું.

‘સપ્ટેમ્બરમાં થાણેમાં મેટ્રોનો ટ્રાયલ રન હાથ ધરવાના પ્રયાસો ચાલુ છે. ત્યારબાદ, અમે ડિસેમ્બર સુધીમાં વાસ્તવિક સેવાઓ શરૂ કરવા પર કામ કરી રહ્યા છીએ. કામ યુદ્ધના ધોરણે આગળ વધી રહ્યું છે,’ એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: થાણેમાં મેટ્રો કોરીડોર માટે પાંચ કંપનીઓએ બતાવ્યો રસ…

તેમણે એમ પણ કહ્યું કે થાણેના આંતરિક મેટ્રો નેટવર્ક પર પ્રારંભિક કાર્ય શરૂ થઈ ગયું છે. ‘સંકલિત પરિવહન સુવિધાઓ પૂરી પાડવા માટે આને મુખ્ય મેટ્રો લાઇન સાથે જોડવામાં આવશે,’ એમ પણ તેમણે ઉમેર્યું હતું.

વ્યાપક માળખાગત યોજનાઓનો ઉલ્લેખ કરતાં, નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે મુંબઈથી થાણે સુધીના ફ્રી-વેના વિસ્તરણથી ટ્રાફિકની ભીડ ઓછી થશે.

થાણેને ટ્રાફિક ભીડમાંથી મુક્ત કરવા માટે કલેક્ટર, મ્યુનિસિપલ ચીફ અને પોલીસ કમિશનરને આદેશ આપવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

‘તેઓ આ દિશામાં કામ કરી રહ્યા છે, અને ટૂંક સમયમાં થાણે શહેર ટ્રાફિક જામથી મુક્ત થશે,’ એમ શિંદેએ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ પણ વાંચો: મહા મુંબઈ મેટ્રોનો ઐતિહાસિક વિક્રમ: 39 મહિનામાં 20 કરોડ પ્રવાસીઓએ કર્યો પ્રવાસ

થાણેમાં તાજેતરના વિકાસ કાર્યો પર પ્રકાશ પાડતા, શિંદેએ જોગીલા તળાવના કાયાકલ્પનો ઉલ્લેખ કર્યો, જેના પર લગભગ 250 ઝૂંપડીઓ દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું હતું.

‘અમે આ વિસ્તાર પર અતિક્રમણ કરનારા લોકોને સ્થળાંતરિત કર્યા છે અને તળાવને મુક્ત કર્યું છે. આ કદાચ દેશમાં આવો પહેલો પ્રોજેક્ટ છે જ્યાં તળાવ સંપૂર્ણપણે પુન:સ્થાપિત કરવામાં આવ્યું છે અને અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે,’ એમ તેમણે કહ્યું હતું.

લાંબા સમય પછી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક રમતગમત સંગઠનોના સહયોગથી આયોજિત થાણે વર્ષા મેરેથોન પર, શિંદેએ કહ્યું કે 25,000થી વધુ સહભાગીઓ દોડમાં જોડાયા હતા.

તેમણે કુસ્તીબાજમાંથી રાજકારણી બનેલા અને શિવસેનાના નેતા ચંદ્રહાર પાટીલ તેમજ કોલ્હાપુરની તેમની ટીમની દેશભક્તિની પણ પ્રશંસા કરી, જેઓ જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સૈનિકો માટે રક્તદાન કરવા ગયા છે.
‘તેમનો પ્રયાસ રાષ્ટ્ર પ્રત્યેનો સાચો પ્રેમ દર્શાવે છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button