Good News: થાણેની મેટ્રો-4નો પ્રથમ ટ્રાયલ રન સફળ, પ્રવાસીઓ માટે ખુશખબર

મુંબઈઃ મુંબઈ મેટ્રો પોલિટન રિજનમાં જાહેર પરિવહન માટે મોટા ભાગે લોકલ ટ્રેન પર આધાર રાખતા મુંબઈને વૈકલ્પિક પરિવહન પૂરું પાડવા મેટ્રો રેલના અનેક પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે. મુંબઈમાં વધી રહી રહેલા મેટ્રોના જાળાંમાં વધુ એકનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સોમવારે થાણેમાં કેડબરી જંકશન અને કાસરવડવલી વચ્ચેના 10 કિલોમીટરના કોરિડોરમાં મેટ્રો લાઇન 4નો પ્રથમ ટ્રાયલ રન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો. આ ટ્રાયલ શહેરના ઝડપી પરિવહન પ્રવાસમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે, જેનો ઉદ્દેશ્ય મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં ભીડ ઘટાડવા અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે.
આ પણ વાંચો:મુંબઈ મેટ્રો 4: સપ્ટેમ્બરમાં ટ્રાયલ રન, મીરા-ભાઈંદર સુધીની મુસાફરી થશે સરળ
આજના ટેસ્ટ રનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક હાજર રહ્યા હતા. નેતાઓએ ટ્રાયલ કોચનું ટેકનિકલ નિરીક્ષણ કર્યું અને મેટ્રો લાઇન 4 ના ફેઝ-1 પ્રાયોરિટી સેક્શન અને તેના એક્સટેન્શન, મેટ્રો લાઇન 4A ની પ્રગતિની સમીક્ષા કરી હતી.
35 કિ.મી.ની મેટ્રો મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને થાણેને જોડશે
આ પ્રસંગે મુખ્ય પ્રધાન ફડણવીસે આ પ્રોજેક્ટના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે લગભગ 16,000 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહેલો 35 કિલોમીટર લાંબો કોરિડોર મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને થાણે સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. “આ મેટ્રો લાઇનમાં આઠ કોચવાળી ટ્રેનો હશે અને એકવાર પૂર્ણ થયા પછી, તે ટ્રાફિકને હળવો કરશે, મુસાફરીનો સમય લગભગ અડધો થઇ જશે અને દરરોજ 21 લાખથી વધુ મુસાફરોને ફાયદો થશે,” તેમણે કહ્યું હતું.
મેટ્રો લાઇન 4 અને 4A નેટવર્ક પૂર્ણ થયા બાદ 58 કિલોમીટરથી વધુ લાંબો હશે
મુખ્ય પ્રધાને મેટ્રો કામગીરી માટે મહત્વપૂર્ણ, મોઘરપાડા ડેપો માટે જમીન સંપાદનના અવરોધોને ઉકેલવા બદલ નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેની પ્રશંસા કરી. “ડેપોની જમીન એક મોટો પડકાર હતો અને શિંદેના વ્યક્તિગત હસ્તક્ષેપ દ્વારા ઉકેલ શોધી કાઢવામાં આવ્યો હતો,” તેમણે ઉમેર્યું, અને પ્રોજેક્ટમાં પ્રતાપ સરનાઈકના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો. મેટ્રો લાઇન 4 અને 4A નેટવર્ક પૂર્ણ થયા બાદ 58 કિલોમીટરથી વધુ લાંબો હશે, જે તેને દેશના સૌથી લાંબા મેટ્રો કોરિડોરમાંનો એક બનાવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ, કાર્યકારી વ્યાવસાયિકો અને દૈનિક મુસાફરોની મુસાફરીને સરળ બનાવશે અને માર્ગ પરિવહનનો સલામત, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પૂરો પાડશે.
આ પણ વાંચો:મુંબઈ મેટ્રો લાઈન- ટુબીમાં ફેઝ વન બહુ જલદી ખુલ્લો મુકાશે
પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે મેટ્રો લાઇન આ વિસ્તારના જાહેર પરિવહનના લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવશે, રોડ ટ્રાફિક પરનું દબાણ હળવું કરશે અને હાલની ઉપનગરીય રેલમાં પૂરક બનશે. પ્રથમ ટ્રાયલ રનના સફળ પરીક્ષણ બાદ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) આ રૂટ પર ડિસેમ્બર 2025 સુધીમાં મુસાફરો માટે મેટ્રો શરુ કરવા માટે કામ કરી રહી છે.