થાણેમાં 75 લાખના મેફેડ્રોનની જપ્તિના કેસમાં વધુ એકની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં 75.2 લાખ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સની જપ્તિના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સ રાજસ્થાન-મધ્ય પ્રદેશની સીમા પરથી દાણચોરી કરીને લાવવામાં આવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં કુલદીપસિંહ પરિહાર નામના આરોપીની ધરપકડ કરી હતી અને હવે તેના સાથીદારની શોધ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સાંગલીમાં મેફેડ્રોનની ફેક્ટરી: યુએઇથી પ્રત્યર્પણ કરાયેલા વોન્ટેડ ડ્રગ પેડલરની મુંબઈ પોલીસે કસ્ટડી લીધી
સિનિયર ઇન્સ્પેક્ટર સચિન ગાયકવાડે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે 9 સપ્ટેમ્બરે ખારીગાંવ ટોલ નાકા ખાતે કારને આંતરીને 501.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને કાર ડ્રાઇવર સુરેશસિંહ ગંગાસિંહ તનવર (35)ની ધરપકડ કરી હતી, જે રતલામનો રહેવાસી છે.
આ પ્રકરણે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ (એનડીપીએસ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ડ્રાઇવર સુરેશસિંહે પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેણે તેના સાથી કુલદીપસિંહ પરિહાર અને અભિષેક જયસ્વાલની મદદથી ડ્રગ્સની દાણચોરી કરી હતી. પોલીસ હવે ફરાર આરોપીની શોધ ચલાવી રહી છે. (પીટીઆઇ)