લોનના વિવાદમાં મિત્ર પર હુમલો કરી કિડની કાઢી લેવાની આપી ધમકી: યુવક વિરુદ્ધ ગુનો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

લોનના વિવાદમાં મિત્ર પર હુમલો કરી કિડની કાઢી લેવાની આપી ધમકી: યુવક વિરુદ્ધ ગુનો

થાણે: લોન ચૂકવવામાં નિષ્ફળ જનારા મિત્ર પર હુમલો કર્યા બાદ તેની કિડની કાઢી લેવાની ધમકી આપવા બદલ પનવેલના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

9 ઑગસ્ટે આ ઘટના બની હતી, પણ નવી મુંબઈના પનવેલમાં આકુર્લી ખાતેના રિક્ષા ડ્રાઇવરે 26 ઑગસ્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેનેને આધારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
રિક્ષા ડ્રાઇવર અને આરોપી પનવેલમાં રહેતા હોઇ તેઓ એક દાયકાથી વધુ સમયથી મિત્રો હતા. 2018માં રિક્ષા ડ્રાઇવરે રિક્ષા ખરીદવા માટે ખાનગી બૅંકમાંથી લોન લીધી હતી અને તેનો મિત્ર ગેરેન્ટર રહ્યો હતો.

ફરિયાદ અનુસાર રિક્ષા ડ્રાઇવર લોનના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ ગયો હતો, જેને કારણે બૅંક દ્વારા તેની રિક્ષા જપ્ત કરવામાં આવી હતી અને ગેરેન્ટરનું ખાતું પણ ફ્રીઝ કરી દેવાયું હતું, એમ પનવેલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
9 ઑગસ્ટે બંને જણ બૅંકમાં ગયા હતા, જ્યાં તેમને 36 હજાર રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. બૅંકમાંથી બહાર આવ્યા બાદ આ મામલે વાતચીત કરવાને બહાને આરોપી મોટરસાઇકલ પર રિક્ષાચાલકને પોતાના પનવેલના વાગેગાંવ ખાતેના ઘરે લઇ ગયો હતો, જ્યાં રિક્ષાચાલકને ખુરશી પર બેસાડ્યા બાદ તેના હાથ-પગ બાંધી દીધા હતા અને તેના મોઢામાં રૂમાલનો ડૂચો માર્યા બાદ તેની મારપીટ કરી હતી.

રિક્ષાચાલકને બેહોશીનું ઇન્જેકશન મારીને તેની કિડની કાઢી લેવાની અને તેનું લોહી વેચવાની ધમકી આરોપીએ આપી હતી. મારપીટ દરમિયાન આરોપીએ રિક્ષાચાલકના 12,300 રૂપિયા લઇ લીધા હતા અને બાદમાં તેને છોડી દીધો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button