બળદગાળા પર સવાર વૃદ્ધનું અકસ્માતમાં મૃત્યુ: 29 વર્ષ બાદ તેના પરિવારને 2.8 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

થાણે: બળદગાળા પર સવાર 66 વર્ષના વૃદ્ધનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયાના 29 વર્ષ બાદ તેના પરિવારને 2.8 લાખનું વળતર ચૂકવવાનો આદેશ એમએસીટી (થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ) દ્વારા આપવામાં આવ્યો હતો. એમએસીટીના સભ્ય પી. આર. અશતુરકરે 6 નવેમ્બરે આ આદેશ આપ્યો હતો.
ઉલ્હાસનગર વિસ્તારમાં 16 એપ્રિલ, 1996ના રોજ ભાઉ વાલકુ ગાયકર બળદગાળામાં જઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે આવેલા ડમ્પરે બળદગાળાને ટક્કર મારી હતી, જેમાં ગાયકરનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: 2019ના અકસ્માતના બે પીડિતને 34 લાખનું વળતર આપવાનો થાણે એમએસીટીનો આદેશ
જ્યારે ટ્રિબ્યુનલે ઠરાવ્યું હતું કે ડમ્પરના ડ્રાઇવરની બેદરકારીને કારણે જીવલેણ અકસ્માત થયો હતો, ત્યારે મૂળ દાવેદર રમાબાઇ ભાઉ ગાયકરનું 2005માં મૃત્યુ થયું હોવાની વાત જાહેર ન કરવા બદલ પરિવારને ઠપકો આપવામાં આવ્યો હતો. રમાબાઇ ગાયકરનું મૃત્યુ થયું છે એ વાત જણાવવાની અરજદારોએ તસ્દી પણ લીધી નહોતી.
આ બેદરકારીને કારણે વળતર પરનું વાર્ષિક છ ટકાના દરે અપાનારું વ્યાજ ચુકાદાની તારીખ (6 નવેમ્બર, 2025)થી અપાશે, નહીં કે અરજીની વર્ષ 2001ની મૂળ તારીખથી, એમ ટ્રિબ્યુનલે કહ્યું હતું.
અરજદારો, ડમ્પરનો માલિક અને વીમા કંપની તરફથી વકીલો પ્રમોદ પાટીલ, વી.બી. પાટીલ અને અરવિંદ તિવારીએ પ્રતિનિધિત્વ કર્યું હતું.
(પીટીઆઇ)



