અકસ્માતના બે વર્ષ બાદ મૃત્યુ પામેલા યુવકના પરિવારને 31 લાખ વળતર ચૂકવવાનો આદેશ…

થાણે: થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2018માં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અને બે વર્ષ બાદ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને 31 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એમએસીટીના સભ્ય આર. વી. મોહિતેએ મંગળવારે આપેલા પોતાના આદેશમાં નોંધ્યું હતું કે ડ્રાઇવર બેદરકારીપૂર્વક કાર હંકારી રહ્યો હતો. તેમણે કારના માલિક તેમ જ વીમા કંપનીને વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા.
દાવેદારોના વકીલ એસ. એમ. પવારે ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે વ્યવસાયે કાર્પેન્ટર મનોજકુમાર શ્યામનારાયણ શર્મા (38) 14 ઑગસ્ટ, 2018ના રોજ થાણેમાં ઉપવન-ગાંધીનગર માર્ગ પર ડાબી તરફ ચાલી રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે આવેલી કારના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને કારે શર્મા, બે મહિલા તથા અનેક મોટરસાઇકલને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં શર્માને ગંભીર ઇજા પહોંચી હતી અને બે વર્ષ સુધી પથારીવશ રહ્યા બાદ તેનું 24 ડિસેમ્બર, 2020ના રોજ મૃત્યુ થયું હતું. ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં રહેતા શર્માના પરિવારે બાદમાં ટ્રિબ્યુનલનો સંપર્ક સાધ્યો હતો. મૃતકની બેદરકારી અથવા ટેક્નિકલ ખામીને કારણે અકસ્માત થયો હતો, એવી બચાવ પક્ષની દલીલને ટ્રિબ્યુનલે ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે કારને સંડોવતા અકસ્માતમાં ગંભીર ઇજાને કારણે શર્માનું મૃત્યુ થયું હતું. (પીટીઆઇ)



