અકસ્માતમાં ઘવાયેલી બે મહિલાને કુલ 11 લાખ વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2022માં કાર અકસ્માતમાં ઘાયલ થયેલી બે મહિલાને કુલ 11.07 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 24 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવેલા બે અલગ, પરંતુ સંબંધિત ચુકાદાઓમાં એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ કારના ડ્રાઇવર રામદાસ શિંદે અને વીમા કંપનીને 18 મે, 2022થી અરજીઓ દાખલ કરવામાં આવી તે તારીખથી નવ ટકા વાર્ષિક વ્યાજ સાથે સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાનું જણાવ્યું હતું.
વર્ષા નીલેશ દળવી (અકસ્માત સમયે 24 વર્ષની વય) અને સ્નેહા પ્રવીણ પાટીલ (અકસ્માત સમયે 23 વર્ષની વય) પેણ પંચાયત સમિતિના કાર્યાલયમાં કામ કરતી હતી. 11 એપ્રિલના રોજ રાયગડના રોહા વિસ્તારમાં વજરોલી નજીક તેમની કાર વૃક્ષ સાથે અથડાઇ હતી, જેમાં બંને જણને ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો: માર્ગ અકસ્માતમાં ઘવાયેલા દંપતીને 16.79 લાખ વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ…
વર્ષા દળવી અને સ્નેહા પાટીલની શાીરરિક અક્ષમતાનું આકલન કરાયું હતું, જેમાં વર્ષા દળવીની શારીરિક અક્ષમતા 10 ટકા અને પાટીલની પંદર ટકા હોવાનું જણાયું હતું. આદેશમાં એવું ઠેરવાયું હતું કે ડ્રાઇવર દ્વારા તેજ ગતિથી વાહન હંકારવા અને નિયંત્રણ ગુમાવવાને કારણે અકસ્માત થયો હતો.
(પીટીઆઇ)