
થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી)2021માં અકસ્માતમાં મૃત્યુ પામેલા પંચાવન વર્ષના રાહદારીના પરિવારને 23.9 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલના સભ્ય આર.વી. મોહિતેએ અકસ્માત કરનાર મોટરસાઇકલસવાર અને વીમા કંપનીને વળતર ચૂકવવા માટે જણાવ્યું છે.
ટ્રિબ્યુનલે સૌપ્રથમ વીમા કંપનીને વળતર ચૂકવવા અને બાદમાં પોલિસીના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનમાલિક પાસેથી વસૂલ કરવા જણાવ્યું છે. દાવેદારમાં મૃતકની પત્ની તેમ જ પુત્રીઓ છે.
આ પણ વાંચો: 2019ના અકસ્માતના બે પીડિતને 34 લાખનું વળતર આપવાનો થાણે એમએસીટીનો આદેશ
દાવેદાર વતી એડવોકેટ એસ.એલ. માનેએ જણાવ્યું હતું કે 27 માર્ચ, 2021ના રોજ અકસ્માત થયો હતો. પાલઘરના સફાલે તાંદુલવાડી રોડની બાજુમાં પંચાવન વર્ષીય વસંત યશવંત પાટીલ ઊભો હતો ત્યારે આરોપીએ બેદરકારીપૂર્વક મોટરસાઇકલ હંકારીને પાટીલને અડફેટમાં લીધો હતો. પાટીલનું ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે મોત થયું હતું.
સફાલે પોલીસે આ પ્રકરણે મોટરસાઇકલસવાર વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને મોટર વેહિકલ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પાટીલના પરિવારે દાવો કર્યો હતો કે પાટીલ ફેબ્રિકેશનના વ્યવસાયમાં કામ કરતો હતો અને વાર્ષિક 4.5 લાખ રૂપિયા કમાતો હતો.
આ પણ વાંચો: અકસ્માતમાં મૃત્યુ પામેલા શખ્સના પરિવારને 59.2 લાખ ચૂકવવાનો એમએસીટીનો આદેશ…
વીમા કંપની શ્રીરામ જનરલ ઇન્શ્યૂરન્સ કંપની લિમિટેડે મૃતકની ઉંમર, વ્યવસાય અને આવક નકારી કાઢી હતી. ઉપરાંત એવી દલીલ કરી હતી કે અકસ્માત પાટીલની બેદરકારીથી સર્જાયો હતો અને મોટરસાઇકલસવાર પાસે પ્રમાણિક ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં હોવાથી તેણે પણ પોલિસીની શરતોનો ભંગ કર્યો છે.
જજે નોંધ્યું હતું કે વીમા કંપનીએ મોટરસાઇકલસવારની સંડોવણી પુરવાર કરવા મોટરસાઇકલનું પરીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો નહોતો. મોટરસાઇકલસવારે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ પોલીસ કે કોર્ટ સમક્ષ રજૂ કર્યું નહોતું. (પીટીઆઇ)