અકસ્માતમાં પત્નીનું મૃત્યુ: 11 વર્ષ બાદ પતિને 51 લાખ વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અકસ્માતમાં પત્નીનું મૃત્યુ: 11 વર્ષ બાદ પતિને 51 લાખ વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ

થાણે: થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) વર્ષ 2014માં માર્ગ અકસ્માતમાં પત્નીના મૃત્યુ બદલ પતિને 51.73 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ સોમવારે આપેલા પોતાના આદેશમાં નોંધ્યું હતું કે 19 ઑગસ્ટ, 2024ના રોજ થયેલો અકસ્માત ત્રણ અલગ વાહનો (બે ટ્રક અને રિક્ષા)ના ડ્રાઇવરોની બેદરકારીને કારણે થયો હતો.

દાવેદારના વકીલ વાય.એસ. દુદુસકરે ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે થાણેની સ્કૂલમાં એક્ટિવિટી સેન્ટરની હૅડ પ્રતીક્ષા બ્રાયન ડિસોઝા (તે સમયે 29 વર્ષની વયની) તેના પતિ બ્રાયન ડિસોઝા સાથે ઘોડબંદર રોડ પર રિક્ષામાં જઇ રહી હતી.

આ પણ વાંચો: અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 52.65 લાખ વળતર ચૂકવવાનો આદેશ…

કોઇ પણ ડિસ્ટ્રેસ સિગ્નલ, પાર્કિંગ લાઇટ્સ અથવા અન્ય કોઇ ચેતવણીના ચિહ્નો વિના રસ્તાની વચ્ચે ઊભેલી ટ્રકથી બચવાના પ્રયાસમાં રિક્ષાએ અચાનક વળાંક લીધો હતો. એ સમયે પાછળથી પૂરપાટ વેગે આવેલી અન્ય ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી, જેને કારણે રિક્ષા બે ટ્રક વચ્ચે દબાઇ ગઇ હતી અને તેમાં પ્રવાસ કરી રહેલી પ્રતીક્ષાનું મૃત્યુ થયું હતું.

એમએસીટીએ પુરાવાઓ તપાસ્યા હતા અને ત્રણેય વાહનના માલિકો અને ડ્રાઇવરોની 100 ટકા બેદરકારી હોવાનું નોંધ્યું હતું. વાહન ગેરકાયદે રીતે પાર્ક કરવા બદલ ટ્રકના માલિક અને ડ્રાઇવરને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button