હલકી ગુણવત્તાના શરાબની બૉટલો પર બ્રાન્ડેડ કંપનીનાં લેબલ લગાવીને વેચનારા પકડાયા...

હલકી ગુણવત્તાના શરાબની બૉટલો પર બ્રાન્ડેડ કંપનીનાં લેબલ લગાવીને વેચનારા પકડાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ગોવાથી હલકી ગુણવત્તાના શરાબની બૉટલો ગેરકાયદે રીતે ડોમ્બિવલીમાં લાવ્યા પછી તેના પર વિદેશી બ્રાન્ડની કંપનીનાં લેબલ લગાવીને રાજ્યના વિવિધ ભાગોમાં વેચનારી ટોળકીને થાણે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ શ્રીકાંત ભાગીરથ તોકડે (27), વકીલ નિવાસ મંડલ (23), રવિ સંતોષ તિવારી (30) અને સંજીત હજારી યાદવ (19) તરીકે થઈ હતી. આરોપીઓ વિરુદ્ધ ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટે નવમી જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

ગોવાથી ભારતીય બનાવટના વિદેશી શરાબની બૉટલો ચોરીછૂપીથી થાણે લાવવામાં આવતી હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બુધવારે છટકું ગોઠવી ડોમ્બિવલીના ગોવિંદવાડી ખાતે એક ટેમ્પોને આંતર્યો હતો. ટેમ્પોમાંથી દારૂની બૉટલો મળી આવતાં ડ્રાઈવર શ્રીકાંત તોકડેની પૂછપરછ કરવામાં આવી હતી. દારૂ વાહનમાં લઈ જવા સંબંધી તેની પાસે કોઈ દસ્તાવેજો મળ્યા નહોતા.

તોકડે અને ક્લીનર વકીલ મંડલને તાબામાં લઈ પૂછપરછ કરવામાં આવતાં ડોમ્બિવલીના જ સુદામવાડી વિસ્તારમાં આવેલા એક ઘરમાં દારૂની બૉટલો મોટા પ્રમાણમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની ટીમે બુધવારની રાતથી ગુરુવારની સવાર સુધી કાર્યવાહી કરી વધુ બે આરોપીને પકડી પાડ્યા હતા. બન્ને આરોપી દારૂની બૉટલનાં લેબલ બદલીને તેનું વેચાણ કરતા હોવાનું તપાસમાં જણાયું હતું.

આરોપીઓ પાસેથી વિવિધ પ્રકારના શરાબની 18,290 બૉટલો જપ્ત કરવામાં આવી હતી. લેબલ બદલવા સહિત ઉત્પાદનની તારીખ અને અન્ય માહિતી સાથેનો બૅચ લગાવવાની સાધનસામગ્રી પણ હસ્તગત કરાઈ હતી.

Back to top button