કલવામાં લિફ્ટ તૂટી પડતાં ગર્ભવતી મહિલા સહિત પાંચ જખમી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના કોપરીમાં શનિવારે એક બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા બે બાળકો, એક ગર્ભવતી મહિલા સહિત પાંચ જખમી થયા હતા. તમામ લોકોને બિલ્ડિંગના રહેવાસીઓએ તાત્કાલિક બહાર કાઢીને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા.
મળેલ માહિતી મુજબ કોપરીમાં બીએસયુપી (બેસિક સર્વિસ ફોર અર્બન પુઅર) રેસિડન્ટ બિલ્ડિંગમાં શનિવારે બપોરના આ બનાવ બન્યો હતો, જેમાં લિફ્ટ પાંચમાથી છઠ્ઠા માળા પર જઈ રહી હતી ત્યારે અચાનક કેબલ તૂટી પડતા લિફ્ટ નીચે ફસડાઈ પડી હતી.
બિલ્ડિંગના રહેવાસીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લિફ્ટમાં ફસાઈ ગયેલા તમામ લોકોને બહાર કાઢયા હતા. જખમીમાં બે બાળક સહિત ગર્ભવતી મહિલાનો સમાવેશ થાય છે. સદ્નસીબે તમામ લોકોને મામૂલી ઈજા થઈ હતી.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ આ બાબતે તેમને કોઈ કોલ આવ્યો નહોતો. સ્થાનિક રહેવાસીઓએ જ જખમીને બહાર કાઢયા હતા. આ દુર્ઘટના બાદ ભાજપે પાલિકા કમિશનરને કોપરીમાં આવેલી તમામ બીએસયુપી બિલ્િંડગમાં સ્ટ્રક્ટરલ અને ટેક્નિકલ ઓડિટ કરવાની માગણી કરી હતી.



