થાણેમાં જ્વેલર્સને લૂંટવા આવેલા લૂંટારાઓનો હવામાં ગોળીબાર
દુકાનદારે લાકડી ફટકારી પ્રતિકાર કરતાં લૂંટારા નાસી છૂટ્યા

થાણે: થાણેના કાપૂરબાવડી વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા આવેલા ચાર લૂંટારામાંથી એકે હવામાં ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જોકે દુકાનદારે લાકડીથી પ્રતિકાર કરતાં લૂંટારા ફરાર થઈ ગયા હતા, જ્યારે એક શકમંદને રાહદારીઓએ પકડી પાડ્યો હતો.
કાપૂરબાવડી પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની બપોરે 12 વાગ્યાની આસપાસ બાળકુમ સ્થિત પાડા ક્રમાંક બે ખાતે બની હતી. ઘટનાસ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : થાણેમાં ઉદ્ધવના ‘ભગવા સપ્તાહ’માં મનસેનો ‘રાડો’
સૂત્રોના જણાવ્યા મુજબ ચાર લૂંટારા જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યા હતા. રિવોલ્વરની ધાક બતાવી ઝવેરીની મારપીટ કરવામાં આવી હતી. જોકે ઝવેરીથી દુકાનમાંની લાકડીથી ચારેયનો બહાદુરીથી સામનો કર્યો હતો.
ઝવેરીને હુમલો કરતો જોઈ ચારેય લૂંટારા ભાગવા માંડ્યા હતા. જતાં જતાં એક લૂંટારાએ હવામાં ગોળીબાર કર્યો હોવાનું કહેવાય છે. દરમિયાન ઝવેરીની મદદ માટેની બૂમો સાંભળી આસપાસની દુકાનવાળા અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. તેમણે એક શકમંદને પકડી પોલીસને સોંપ્યો હોવાનું કહેવાય છે.