થાણેમાં મુશળધાર વરસાદઃ પુલ ધોવાયો, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 54 લોકોને બચાવાયાં
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં થયેલા અનરાધાર વરસાદને કારણે જેમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા એ લોકોને ઉગારી લેવામાં આવ્યા હતા, જ્યારે એક પુલ ધોવાઈ ગયો હતો એવી માહિતી સંબંધિત અધિકારીઓએ સોમવારે આપી હતી.
રવિવારે પડેલા ધોધમાર વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં 275 મકાનોને નુકસાન પહોંચ્યું હતું, આશરે વીસેક વાહનો તણાઈ ગયા હતા અને જિલ્લામાં ગઈકાલે 65 મીમી વરસાદ નોંધાયો હતો એમ જિલ્લા વહીવટીતંત્રે એક યાદીમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર 50 ફ્લાઈટ્સને અસર, જુઓ એડવાઇઝરી
થાણે શહેરમાં આજે સવારે 6.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં 120.87 મીમી વરસાદ નોંધાયો હતો, એમ પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું. વધુ જાણકારી આપતા તડવીએ જણાવ્યું હતું કે આજે સવારે 3.30 થી 4.30 વાગ્યાની વચ્ચે શહેરમાં માત્ર એક કલાકમાં 45.98 મીમી વરસાદ થયો હતો. પહેલી જૂનથી અત્યાર સુધીમાં શહેરમાં 858.87 મિલીમીટર વરસાદ થયો છે. ગયા વર્ષે આ સમયગાળામાં 917.90 મિલીમીટર વરસાદ થયો હતો.
યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે થાણા જિલ્લાના શાહપુર તાલુકાને સૌથી વધુ અસર પહોંચી હતી. આ તાલુકામાં આસનગાંવ – મહુરી માર્ગ પરનો એક પુલ ધોવાઈ ગયો હતો અને ગુજરાતી બાગ વિસ્તારની ભારંગી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પાણી આ વિસ્તારના 70 ઘરોમાં ફરી વળ્યાં હોવાથી વિવિધ ઘરગથ્થુ ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું. 20 ટુ વ્હિલર્સ અને ફોર – વ્હિલર્સ પાણીમાં વહી ગયા હતા.
આ પણ વાંચો: મુંબઈચી પુનઃ તુંબઈઃ છ કલાકમાં 11 ઈંચ વરસાદ, લોકલ ઠપ, શાળા-કૉલેજ બંધ
અધિકારીએ આપેલી અધિક જાણકારી અનુસાર શાહપુરના ગોથેગર વિસ્તારમાં ત્રણ ઇમારતમાં રહેતા 38 લોકોને જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. વાશિંદ વિસ્તારમાં 12 લોકોને ઉગારી લેવાયા બાદ સાલમત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ધોધમાર વરસાદને કારણે આટગાંવમાં રેલવેના પાટા નજીકની જમીન ધોવાઈ ગઈ હતી. કલ્યાણ તાલુકામાં પૂર્ણ કારણે ખડવલીમાં પાંચ અને વાડેઘરમાં ત્રણ ઘરને નુકસાન પહોંચ્યું હતું.
ભિવંડી તાલુકામાં જુદા જુદા મકાનોમાં 40 ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ગૌટેપાડામાં એક ‘કાચા’ લીંપણના મકાનને પણ નુકસાન થયું હોવાનું જણાવી અધિકારીઓએ ઉમેર્યું હતું કે કોઈ નહોતી થઈ. સ્થાનિક તલાટીઓ (મહેસૂલ અધિકારીઓ)ને પંચનામા (સ્થળ નિરીક્ષણ)માં ઝડપ લાવવા અને નુકસાનની જાણ કરવા સૂચના આપવામાં આવી છે.