થાણેની કંપની સાથે 10.39 કરોડ રૂપિયાની છેતરપિંડી: ચાર સામે ગુનો…

થાણે: થાણે જિલ્લામાં કંપની સાથે 10.39 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ગુરુવારે નોંધાયેલા એફઆઇઆરમાં જણાવાયું હતું કે થાણે સ્થિત કંપનીએ બેવરેજીસ ઉત્પાદકને ઓર્ડર આપ્યો હતો. જોકે તે નિર્ધારિત પુરવઠો પૂરો પાડવામાં અને એક્સપાયર્ડ થયેલાં ઉત્પાદનો બદલી આપવામાં નિષ્ફળ ગયો હતો. ઉપરાંત ગેરરીતિઓ પણ આચરાઇ હતી.
જાન્યુઆરી, 2019થી ડિસેમ્બર, 2022 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી, જેમાં ફરિયાદીને 10.39 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે આરોપી કંપની, તેના ડિરેક્ટર, સેલ્સ હેડ તથા લોજિસ્ટિક કંપનીના પ્રોપ્રાઇટર વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને 120-બી (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઇલેક્ટ્રોનિક પુરાવાને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. થાણે પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
આ પણ વાંચો…ઇડીએ ટાંચ મારી હોવા છતાં થિયેટર તોડી જગ્યા વેચવાનો પ્રયાસ: ઇકબાલ મિરચીના સાગરીતની ધરપકડ