થાણેમાં ગૅરેજમાં આગ: કોઈ જખમી નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે(પૂર્વ)માં કોપરી કપડા માર્કેટમાં આવેલા ઓટોમોબાઈલ પાર્ટસ ઍન્ડ ગૅરેજમાં સોમવારે સવારના આઠ વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આ બનાવમાં કોઈ જખમી થયું નહોતું.થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ કોપરી વિસ્તારમાં આવેલી સોનૂ ઑટો પાર્ટસ ઍન્ડ ગૅરેજમાં સવારના આઠ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડના બે ફાયર ઍન્જિન, રૅસ્ક્યુ વેન, વોટર ટૅન્કર સહિત ડિઝાસ્ટર કંટ્રોલ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ આગ ગૅરેજના સ્ટોરેજ ઍરિયામાં મૂકેલા કચરામાં લાગી હતી અને તે બાદમાં દુકાનમાં ફેલાઈ ગઈ હતી. આગમાં છ ભંગાર ટુ વ્હીલર, ૧૫ ઍન્જિન ઓઈલ કેન અને ઈલેક્ટ્રિક વાયરિંગ, બે લાકડાના કબાટ, ત્રણ લોખંડના રૅક, પ્લાસ્ટિક અને લાકડાના ભંગાર સહિતની અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ બુઝાવવામાં સફળતા મળી હતી.