થાણેમાંં બંધુઆ મજૂરી: ફેક્ટરીના માલિકો વિરુદ્ધ ગુનો દાખલ…

થાણે: થાણે જિલ્લામાં મજૂરો પાસે કલાકો સુધી કામ કરાવવા, તેમને વેતન તથા ભોજન ન આપવા અને ઘણા મહિનાઓ સુધી તેમને બંધક બનાવી રાખવા બદલ પોલીસે ફેક્ટરીના બે માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
અંબરનાથ પોલીસે શુક્રવારે ફેક્ટરીના બંને માલિક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા સંબંધિત કલમો તથા બોન્ડેડ લેબર સિસ્ટમ (એબોલિશન) એક્ટ, 1976 હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ઉત્તર પ્રદેશના 40 વર્ષના મજૂરે આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લાડીનાકા અને ભેંડીપાડા વિસ્તારમાં ફેક્ટરી ધરાવતા નિક્કી ઉર્ફે કૃષ્ણકુમાર અગ્રહારી તથા નીતિન તિવારીએ ફરિયાદી તથા અન્ય 10 મજૂરોને 15થી 16 કલાક સુધી કામ કરવા માટે દબાણ કર્યું હતું.
તેમને પૂરતું ભોજન આપવામાં આવતું નહોતું અને તેઓ બીમાર હોવા છતાં તેમની પાસે કામ કરાવવામાં આવતું હતું. મજૂરો જ્યારે પોતાનો પગાર માગતા હતા ત્યારે તેમને ગાળો ભાંડવામાં આવતી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે આરોપીઓ મજૂરોને ધમકાવતા હતા. તેમનું અપમાન કરતા હતા અને તેમને બંધક બનાવીને તેમને ત્રાસ આપવામાં આવતો હતો.
મજૂરની ફરિયાદને આધારે પોલીસે ફેક્ટરીના બંને માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોઇ આ પ્રકરણે તપાસ ચાલી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



