મિલકત વિવાદમાં કેરટેકરની હત્યા કરવા બદલ મહિલા, તેના સાથીદારને આજીવન કારાવાસ…

થાણે: થાણેની સેશન્સ કોર્ટે પાંચ વર્ષ અગાઉ મિલકત વિવાદને લઇ કેરટેકરની હત્યા કરવા બદલ મહિલા અને તેના સાથીદારને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જજ વી. જી. મોહિતેએ આરોપી કલ્પના બળીરામ નાગલકર (50) અને સંતોષ ચંદ્રકાંત ઘુગરે (35)ને દોષી ઠેરવ્યાં હતાં, જ્યારે સહ-આરોપી ગીતા અવિનાશ અરોલકર અને મંગેશ મુરુડકરને અપૂરતા પુરાવાને કારણે નિર્દોષ જાહેર કર્યાં હતાં.
એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર રશમી ક્ષીરસાગરના જણાવ્યા અનુસાર મૃતક તાનાજી લક્ષ્મણ જાવિર આરોપી કલ્પના નાગલકરના પરિવારની મિલકતનો કેરટેકર હતો. કલ્પનાના પતિના અવસાન બાદ વિવાદ ઊભો થયો હતો, કારણ કે કલ્પનાનો પતિ જીવિત હતો ત્યારે તેણે વચન આપ્યું હોવા છતાં તેનો પરિવારે તાનાજી જાવિરને મિલકતમાંથી હિસ્સો આપવા તૈયાર નહોતો. કલ્પનાએ બાદમાં જાવિરની હત્યા કરવા ઘુગરેનો સંપર્ક સાધ્યો હતો.
17 જુલાઇ, 2020ના રોજ ઘુગરેએ જાવિરને ખાડી નજીક દારૂ પીવા માટે બોલાવ્યો હતો, જ્યાં ઝેર ભેળવલો દારૂ તેને પીવા માટે આપ્યો હતો. દારૂ પીધા બાદ જાવિરનું મોત થતાં તેનો મૃતદેહ ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જાવિરનું હાડપિંજર પાછળથી ખાડીમાંથી મળી આવ્યું હતું, જ્યારે તેની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.
ક્ષીરસાગરે જણાવ્યું હતું કે કેસને પુરવાર કરવા માટે તપાસકર્તા પક્ષના 13 સાક્ષીદારને તપાસવામાં આવ્યા હતા. આ કેસમાં કલ્પના અને ઘુગરેને સેશન્સ કોર્ટે દોષી ઠેરવીને આજીવન કારાવાસની સજા ઉપરાંત 12 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. (પીટીઆઇ)
આ પણ વાંચો…મોબાઇલ ગેમને કારણે યુવકની હત્યા: થાણે કોર્ટે ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા