ભારતમાં ગેરકાયદે વસવાટ:કલ્યાણ કોર્ટે આઠ બાંગ્લાદેશીને નવ મહિનાની સખત કેદ ફટકારી

થાણે: થાણે જિલ્લાના અલગ અલગ ભાગમાં ગેરકાયદે વસવાટ કરવા બદલ કલ્યાણ કોર્ટે આઠ બાંગ્લાદેશીને નવ મહિનાની સખત કેદ ફટકારી હતી. કોર્ટે પાંચમી ડિસેમ્બરે ચાર કેસમાં આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપીઓએ ગુનો કબૂલ્યો હોવાથી તેઓ સજાને પાત્ર હતા, પરંતુ તેમની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ‘માનવતાવાદી દૃષ્ટિકોણ’ પણ જરૂરી હતો.
એડિશનલ સેશન્સ જજ એસ.જી. ઇનામદારે તેમને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ તથા ફોરેનર્સ એક્ટ, 1946 હેઠળ દોષી ઠેરવ્યા હતા અને પ્રત્યેકને એક હજારનો દંડ પણ ફટકાર્યો હતો. આરોપીઓએ ગુનો કબૂલ્યો છે અને તેઓ કાયદાની જોગવાઇઓ હેઠળ આપવામાં આવેલી સજાને પાત્ર છે.
જોકે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ગરીબી, અજ્ઞાનતા અને નિરક્ષરતાને કારણે તેઓ કોઇ પણ દસ્તાવેજો વિના ભારતમાં કેવી રીતે પ્રવેશ કરી શક્યા એનો ખુલાસો તેઓ કોર્ટ સમક્ષ કરી શક્યા નહોતા. આ સંજોગોમાં સજા આપતી વખતે ‘માનવતાવાદી દૃષ્ટિકોણ’ની જરૂર પડે છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
એપ્રિલ, 2025માં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને જે ગુના માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા તે માટે મહત્તમ સજા પાંચ વર્ષની છે. ચાર મહિલા મોયના ગાઝી ઉર્ફે મોયના મસ્જિદ સરદાર (27), અમિના જહાંગીર ગાઝી (22), શેહનાઝ મોહંમદઅલી સરદાર (44) અને નરગીસ મોહંમદ સરદાર (32)ની ડોંબિવલીથી, જ્યારે મજીદા રસુલ શેખ (35) નામની મહિલાની કલ્યાણથી ધરપકડ કરાઇ હતી.
પેઇન્ટર તરીકે કામ કરતા મોહંમદ શાંતો યુનુસ મુલ્લા (30) અને બ્યુટિ પાર્લરમાં કામ કરતી તેની પત્ની સુમી મોહંમદ શાંતો મુલ્લા (28)ની પણ કલ્યાણથી ધરપકડ કરવામાં આવી હતી. નૂર મોનુ પઠાણ નામનો મજૂર ઉલ્હાસનગરથી ઝડપાયો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે જેલ સુપરિન્ટેન્ડેન્ટ તપાસકર્તા અધિકારી સાથે સંકલનમાં રહીને, આરોપીની સજા પૂરી થયા બાદ કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને તેમને ડિપોર્ટ કરવા માટે જરૂરી પગલાં લેશે. ફરાર આરોપી તૌકિર મોહંમદ આલમ સામેનો કેસ હજી પેન્ડિંગ છે. (પીટીઆઇ)



