ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડની કુહાડીના ઘા ઝીંકી હત્યા: આરોપીને આજીવન કારાવાસ…

થાણે: 2016માં કુહાડીના ઘા ઝીંકીને ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડની હત્યા કરવા બદલ થાણે જિલ્લાની કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. સેશન્સ જજ એ. એન. સિર્સિકરે આરોપી અમિતકુમાર ઉર્ફે અવિ અમરનાથ વિશ્ર્વકર્મા (40)ને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ દોષી ઠેરવ્યો હતો. જજે આરોપીને સજા ઉપરાંત એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી અને મૃતક કોમલ સકપાલ છેલ્લાં ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતાં. જોકે આરોપીનું દારૂનું વ્યસન અને ગેરવર્તનને કારણે કોમલે તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા. 21 ડિસેમ્બર, 2016ના રોજ આરોપીએ કોમલ પર કુહાડીથી હુમલો કરતાં તેને ગંભીર ઇજા થઇ હતી. કોલમને સારવાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં 4 જાન્યુઆરી, 2016ના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
સુનાવણી દરમિયાન 11 સાક્ષીદારની જુબાની નોંધવામાં આવી હતી. ઉપરાંત અસંખ્ય પુરાવાની તપાસ કરાઇ હતી, જેમાં મૃત્યુ અગાઉ કોમલનું નિવેદન, મેડિકલ રિપોર્ટ, જપ્ત કરાયેલી વસ્તુઓનો સમાવેશ હતો. (પીટીઆઇ)
આપણ વાંચો : રાયગડની પોલિક્લિનિકમાં ગર્લફ્રેન્ડની હત્યા કરી યુવાને પણ જીવન ટૂંકાવ્યું