કોર્ટ બહાર આરોપીઓનો પોલીસ ટીમ પર હુમલો: ચાર સામે ગુનો…

થાણે: ઘરનું ભોજન અને પરિવારના સભ્યોને મળવાની પરવાનગી આપવામાં ન આવતી હોવાને મુદ્દે રોષે ભરાયેલા ચાર આરોપીએ થાણે કોર્ટ બહાર પોલીસ ટીમ પર જ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ થાણે જિલ્લા ન્યાયાલય બહાર છઠ્ઠી મેના રોજ બનેલી આ ઘટના પ્રકરણે ચાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપી અબ્દુલ્લા સંજય ઈરાની, કાશિમ ઉર્ફે તાકફ મુક્તાર ઈરાની, સૌરભ મનોજ સાળુંખે અને સુનીલ ઉર્ફે સોન્યા શંકર ફુલોરેને કેસની સુનાવણી માટે કોર્ટમાં લવાયા હતા. કલ્યાણની આધારવાડી જેલમાંથી ચારેયને થાણે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.
સુનાવણી પત્યા બાદ કોર્ટે આગામી સુનાવણી માટે તારીખ આપતાં આરોપીઓ ઉશ્કેરાયા હતા. કહેવાય છે કે પરિવારજનોને મળવા ન દેવતાં અને ઘરના ભોજનની પરવાનગી ન મળતાં આરોપીઓ રોષે ભરાયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે સબ-ઈન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલની ટીમ આરોપીઓને જેલમાં પાછા લઈ જવા માટે વાહન તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આરોપીઓએ ગાળાગાળી કરી પોલીસ ટીમ સાથે મારપીટ અને ધક્કામુક્કી કરી હતી. ઘવાયેલા સબ-ઈન્સ્પેક્ટરની ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 132, 121(1) અને અન્ય સુસંગત કલમ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. (પીટીઆઈ)
આપણ વાંચો : મલાડની હોટેલમાં ગળું દબાવી પ્રેમીની હત્યા કરનારી મહિલા સુરતમાં પકડાઈ